22 January 2024 Holiday Notification News : ભારત સહિત વિશ્વભરના રામ ભક્તો 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે અને ત્યાર બાદ વિશ્વભરમાંથી લોકો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા રામમંદિરમાં આવી શકશે. આ ભવ્ય સમારોહમાં PM નરેન્દ્ર મોદી સહિત વિવિધ પક્ષોના મોટા નેતાઓ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા બિઝનેસ ટાયકૂન્સ અને ફિલ્મ સેલિબ્રિટીઓ હાજરી આપશે. આ શુભ અવસર પર ઘણા રાજ્યોમાં ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, હરિયાણા જેવા ઘણા રાજ્યોમાં આ દિવસ એટલે કે 22 જાન્યુઆરીએ સરકારી રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ સરકારી રજાની માંગ ધારાસભ્ય દવારા કરવામાં આવી હતી. શું ગુજરાત પણ રજા જાહેર કરશે?
ઘણા અહેવાલોમાં એવી માહિતી આપવામાં આવી છે કે, 22 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા (જાહેર રજા) જાહેર કરવામાં આવી શકે છે. એક વકીલે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને 22 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની વિનંતી પણ કરી છે.
ઉત્તર પ્રદેશ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ રાજ્યમાં આ દિવસે દારૂની દુકાનો બંધ રાખવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને આ દિવસે દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજાની જાહેરાત કરી છે. તેમણે લોકોને આ દિવસોમાં તહેવારો ઉજવવાનું કહ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તમામ પ્રકારના દારૂ અને નશાની દુકાનો બંધ રહેશે.
ગોવા
ગોવા સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓ માટે રજા જાહેર કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આ દિવસે ગોવામાં રજા રહેશે. ગોવાના સીએમ પ્રમોદ અવંતે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
છત્તીસગઢ
છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ અને કોલેજોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક સમારોહ ઉજવવા માટે આ રજા જાહેર કરી છે.
હરિયાણા
હરિયાણા સરકારે પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં આ અવસર પર દારૂ પર પ્રતિબંધ રહેશે.
આ પણ વાંચો – અમદાવાદ : પક્ષીને બચાવવા જતા ફાયર કર્મી હાઈ ટેન્શન વાયરના કરંટથી સ્થળ પર જ ભડથું થયો
ગુજરાત
ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે સીએમને પત્ર લખી ગુજરાતમાં જાહેર રજા જાહેર કરવાની માંગ કરતો પત્ર લખ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો અનુસાર, સત્તાવાર જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.