Rajyasabha Election : ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાના નામનો સમાવેશ થાય છે. આ બંને ઉમેદવારો આજે બપોરે 2.00 કલાકે પોતાના ઉમેદવારી ફોર્મ ફરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા એસ જયશંકરે રાજ્યસભા સાંસદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
તમને જણાવી દઈએ કે, 24 જુલાઈએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. 13 જુલાઈ 2023 ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ છે, જેથી આજે જ બપોરે 2.30 કલાકે બંને નવા ઉમેદવાર ઉમેદવારી નોંધાવી શકે છે. આ અંતર્ગત ગુજરાતમાં ત્રણ બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતમાં એસ. જયશંકરનું નામ રિપીટ કરવામાં આવ્યું છે, તો બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાના નવા નામોની પસંદગી કરવામાં આવી છે.
ક્યારે યોજાશે રાજ્યસભા ચૂંટણી?
ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.
આ પણ વાંચો – ગુજરાત: ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં ત્રણ બેઠક
સાંસદોનો કાર્યકાળ પૂરો થવાને કારણે જે બેઠકો ખાલી પડી છે, તેમાં ગુજરાતના વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠકનો પણ સમાવેશ થાય છે. જયશંકર, દિનેશચંદ્ર જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલસિંહ માથુરજી ગુજરાતના ભાજપના ત્રણ સાંસદો છે, જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થાય છે. રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકર ફરી રિપિટ થશે તે લગભગ ફાઇનલ છે. જોકે દિનેશચંદ્ર અનાવડિયા અને જુગલસિંહ ઠાકોરને લઇને સસ્પેન્સ છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ જાતિગત સમીકરણ પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપે તેવી શક્યતા છે.