Air India flight : ભારતીય જનતા પાર્ટી (BJP) ના ત્રણ સાંસદો સહિત લગભગ 100 મુસાફરો રવિવારે રાત્રે રાજકોટ એરપોર્ટ પર અટવાયા હતા. જ્યારે તેઓ દિલ્હી જતી એર ઈન્ડિયા (AI) ની ફ્લાઈટમાં સવાર થયા હતા અને પ્લેન ટેક ઓફ થવાની બે કલાક રાહ જોઈ હતી. પરંતુ પાઈલટે તેમની ફરજનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને વિમાન ઉડાડવાની ના પાડી હતી.
આ ઘટના રવિવારે મોડી સાંજે બની હતી જ્યારે યાત્રીઓ લગભગ 8:30 PM પર એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર હતા. રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયા, જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ અને રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્ય કેસરીદેવસિંહ ઝાલા 100 જેટલા મુસાફરોમાં હતા. જેઓ ફ્લાઈટમાં સવાર હતા અને ફ્લાઇટના ઉપડવાની રાહ જોતા હતા.
જોકે પાયલટે પ્લેન ઉડાડવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેની ફરજનો સમય પૂરો થઈ ગયો હતો. સાંસદ મોહન કુંડારિયાએ સોમવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમે બે કલાક સુધી પ્લેનમાં સવાર રહ્યા હતા, ટેક ઓફ થવાની રાહ જોતા હતા. અમે દિલ્હીમાં અધિકારીઓ સાથે પણ વાત કરી અને પરિસ્થિતિ વિશે ફરિયાદ કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં, કારણ કે પાયલટે કહ્યું કે તે ખૂબ થાકી ગયો છે વધારે ઉડાન ભરી શકશે નહીં. આખરે અમે લગભગ રાત્રે 10:30 વાગ્યે પ્લેનમાંથી ઉતર્યા હતા.
આ પણ વાંચો – અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : FSLના રિપોર્ટમાં ખુલાસો, તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 કિમી હતી
રાજકોટમાં એર ઇન્ડિયાના સ્થાનિક અધિકારીઓએ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નથી. જ્યારે રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે તે એરલાઇનનો આંતરિક મુદ્દો હતો.
સાંસદ કુંડારિયાએ કહ્યું કે એર ઇન્ડિયાએ પાછળથી ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં સુવિધા આપી. એરલાઈને મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ્સ પકડવામાં મદદ કરવા માટે અમદાવાદ માટે ટેક્સીઓની વ્યવસ્થા કરવાની ઓફર કરી હતી. ફ્લાઇટ ટિકિટો કેન્સલ કરવા માંગતા લોકોને સંપૂર્ણ રિફંડ પણ ઓફર કર્યું હતું અને બાકીના લોકોને હોટલમાં રાખવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે મારે 27 જુલાઈના રોજ નિર્ધારિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટની મુલાકાતના સંદર્ભમાં દિલ્હી જવાનું હતું અને સોમવારની રાજકોટની રિટર્ન ટિકિટ હતી. પરંતુ ફ્લાઈટ ટેકઓફ ન થઈ શકતી હોવાથી મારે મારી મુલાકાત રદ કરવી પડી.
સાંસદે જણાવ્યું હતું કે ફ્લાઇટ મૂળ રવિવારે સાંજે 7:30 વાગ્યે ઉપડવાની હતી પરંતુ તે એક કલાક મોડી રાજકોટમાં ઉતરી હતી. તેમણે કહ્યું કે તે સમજી શકાય તેવું છે કે ફ્લાઇટના આગમનમાં ક્યારેક વિલંબ થાય છે અને પરિણામે પ્રસ્થાન પણ વિલંબિત થાય છે. હું છેલ્લા 10 વર્ષથી રાજકોટથી દિલ્હી જઉં છું. જોકે મારે ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો