Gujarat Rain: રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રવિવારે પાટણનાં સાંતલપુરમાં સૌથી વધારે 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સાંતલપુરમાં છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ઘણા સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા.
ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો
આ ઉપરાંત કચ્છમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. અબડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પાટણના સિદ્ધપુરમાં બપોરે બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં મુશ્કેલી થઇ હતી. ભારે વરસાદના પગલે કચ્છના નલિયા, અબડાસમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે ભુજની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો – હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 9 લોકોના મોત, ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા
ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં માત્ર 4 કલાકમાં ધોધમાર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપલેટામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી થઇ ગયા હતા. અંડર પાસમાં કેડ સમાં પાણી ભરાતા કાર ફસાઈ હતી. જૂનાગઢનાં ઓજત 2 ડેમના વધુ બે દરવાજા ખોલાયા છે. કુલ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં પાણીની આવક થતા વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
હજુ બે દિવસ વરસાદની ભારે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી ભારે વરસાદ જોવા મળશે. બુધવારથી વરસાદનું જોર થોડું ઘટશે. આવતીકાલે સોમવારે અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.