scorecardresearch
Premium

પીએમ મોદી આવશે ગુજરાત મુલાકાતે! CM એ રાજકોટમાં સિક્સ લેન ઓવરબ્રિજ ખુલ્લો મુક્યો, જામનગર જવામાં સુગમતા રહેશે

PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે.

CM Bhupendra Patel | PM Narendra Modi
ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ, અને પીએમ નરેન્દ્ર મોદી

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે છોટાઉદેપુરમાં ભાજપા સંગઠન દ્વારા તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો આ બાજુ રાજકોટમાં માધાપર ચોકડી પર સિક્સ લેન ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવતા રાજકોટવાસીઓએ રાહત અનુભવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સિક્સ લેનનું ઈ લોકાર્પણ કર્યું હતું. રાજકોટથી જામનગર જતા મુસાફરોને બ્રિજ ખુલ્લો મુકાતા સુગમતા રહેશે.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધા વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે.

સીએમ પટેલે કહ્યું કે, દેશમા 9 વર્ષમાં 3 લાખ 28 હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે.

60 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામા આવનાર આ બ્રીજ રૂપિયા 60 કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લંબાઇ 1125 મીટર અને 2×11 મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બંને તરફ 8.8 મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

બ્રિજની ખાસિયત

આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર 50 મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે 30 મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવેલ છે.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવવના છે, તેઓ છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, સાથે રાજ્યના વિદ્યાર્થીઓ માટે રૂ. 1426 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, તથા ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

પીએમ મોદી ગુજરાત કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત rs. 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યો

વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત રૂ. 1426 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ

આ સિવાય વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે રૂ. 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, રૂ. 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રૂ. 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ રૂ. 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે રૂ. 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ રૂ. 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

Web Title: Pm narendra modi gujarat visit cm bhupendra patel inaugurates six lane overbridge in rajkot km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×