PM Narendra Modi in Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓ 2.30 કલાકે રાજકોટ પહોંચ્યા હતા, અહીં તેમણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતુ, આ સિવાય તેમણે કુલ 2030 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રજેક્ટોનું પણ લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટનું અવલોકન કર્યું હતું, તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં રેડકોર્સ મેદાનમાં પહોંચી ગયા છે. અહીં તેમનું મંત્રીઓ, સૌરાષ્ટ્રના ધારાસભ્યો, જિલ્લા સંગઠનના સભ્યો સહિતના કાર્યકરોએ પીએમ મોદીને વિવિધ ભેટો આપી સ્વાગત કર્યું.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંબોધન કર્યું, જેમાં તેમણે પીએમ મોદીના કામોના વખાણ કર્યા હતા. આ સિવાય તેમણે રાજકોટ ઈન્ટરનેશન એરપોર્ટ મામલે માહિતી આપી, અને તેના કારણે કનેક્ટીવીટી અને તેનાથી થતા વિકાસ વિશે જણાવ્યું, અને અંતમાં કહ્યું, ‘મોદી હે, તો મુમકીન હૈ’, કહી સંબોધન પૂર્ણ કર્યું.
પીએમ મોદીનું રાજકોટમાં સંબોધન
‘કેમ છો બધા સુખમાં’ કહી પીએમ મોદીએ તેમનું સંબોધન શરૂ કર્યું. તેમણે કહ્યું, રાજકોટમાં બપોરે આરામના સમયે આટલી મોટી જનમેદની, આજે તો રાજકોટે બધા વિક્રમ તોડી નાખ્યા. તેમણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદમાં થયેલા નુકશાન અંગે વાત કરી કહ્યું, કેન્દ્ર સરકાર હંમેશા ગુજરાત સરકારની સાથે છે, તમામ મદદ હંમેશા કરતી રહેશે. રાજકોટે મને ઘણુ આપ્યું છે. રાજકોટમાં ઈન્ટરનેશન એરપોર્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આનાથી સૌરાષ્ટ્રવાસીઓનો ખુબ વિકાસ થશે.
પીએમ મોદીએ તેમની સરકારના કાર્યકાળમાં થઈ રહેલા વિકાસકાર્યોની વાત કરતા કહ્યું કે, પહેલા લોકો ફિલ્મમાં વિદેશ જુએ તો વિચારતા હતા કે, ક્યારે આપણા દેશમાં આવા રોડ રસ્તા હશે, ક્યારે આપણા શહેરમાં આવું એરપોર્ટ હશે. પહેલા મોટાભાગના લોકોને રોડ રસ્તા, કનેક્ટીવીટીના અભાવે ક્યાંક જવું હોય તો, મોટાભાગનો સમય આવન જાવનમાં જ જતો હતો, વ્યાપાર કરવામાં મુશ્કેલી પડતી હતી, હવે ધીમે ધીમે દેશમાં રોડ રસ્તા આધુનિક બની રહ્યા છે, અદ્યતન સુવિધા સાથે એરપોર્ટ બની રહ્યા છે, જેનાથી કનેક્ટીવીટી વધી રહી, અને દેશ વિકાસની ગતિ પકડી રહ્યો.
તેમણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પહેલાની સરકારમાં ગુંડાઓ, જમીન માફિયાઓ, દલાલો લોકોની જમીન પડાવી લેતા હતા, જ્યાં જુઓ ત્યાં બેંકમાં લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. અમારી સરકારે બેન્કોમાં ઓનલાઈન સિસ્ટમ ઉભી કરી, હવે ઘરે બેઠા નાણાકીય વ્યવહારો ચપટી વગાડતા કરી શકાય છે. રેરા કાયદો લાવી જમીન માફિયાઓ દ્વારા થતી ચિંટીંગ બંધ થઈ. અમારી સરકાર કામ કરી રહી છે, તેનાથી વિપક્ષ પાર્ટીઓને પેટમાં દુખે છે.
પીએમ મોદીએ મોબાઈલ ડેટાની કિંમત અને આરોગ્ય ખર્ચની વાત કરી વિપક્ષ પર પ્રહાર કર્યા, તેમણે કહ્યું – પહેલા 1 જીબી ઈન્ટરનેટ ડેટા માટે 300 રૂપિયા ખર્ચ કરવો પડતો હતો, ત્યારે આજે તમે આખો મહિનો ઈન્ટરનેટ વાપરો ત્યારે 300-400 રૂપિયા ખર્ચ થાય છે. પહેલાની સરકારમાં આરોગ્ય સુવિધાના નામે મીંડુ હતું, અમારી સરકારે 10 લાખ સુધીની આરોગ્ય સારવાર મફત કરી દીધી છે.
તેમણે સૌરાષ્ટ્રના લોકોને પાણીની સમસ્યા યાદ કરાવી, પહેલા બહેનો માતાઓને બેડા લઈ પાણી માટે વલખા મારવા પડતા હતા, હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી ચાલતી સૌની યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં દુકાળ ભૂતકાળ બની ગયો છે.
પીએમ મોદી રાજકોટ – LIVE
પીએમ મોદી ગુજરાત કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2.30 કલાકે રાજકોટ ખાતે પહોંચી વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ બાદ શહેરના રેડકોર્સ મેદાન ખાતે જનસભા સંબોધશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે. પીએમ મોદી ગાંધીનગરમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેઓ બીજા દિવસે 28 જુલાઈએ ગાંધીનગરમાં સિમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેશે, અને વિવિધ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બપોરે 1.30 કલાકે સરકાર અને સંગઠનના મંત્રી કાર્યકરો સાથે ભોજન કરશે.
પીએમ મોદીએ રાજસ્થાનમાં વિપક્ષ પર કર્યા શાબ્દીક હુમલા
ઉલ્લેખનીય છે કે આ પહેલા પીએમ મોદી રાજસ્થાન મુલાકાતે હતા, ત્યાં તેમણે કેટલાક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને પછી ગુજરાત આવ્યા. પીએમ મોદીએ રાજસ્થાનમાં વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અહીં એકઠી થયેલી ભીડએ કહી દીધું છે કે, આવનારી ચૂંટણીમાં ઊંટ કયા રસ્તે બેસી જશે. હવે રાજસ્થાનનો માર્ગ પણ બદલાશે અને મને ખાતરી છે કે રાજસ્થાનનું નસીબ પણ બદલાશે. આજે રાજસ્થાનમાં સર્વત્ર એક જ ગુંજ છે, કમળની જીત થશે, કમળ ખીલશે.
પીએમ મોદીએ લાલ ડાયરી પર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો
રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવનાર લાલ ડાયરી પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના મોટા નેતાઓની આ લાલ ડાયરીનું નામ સાંભળતા જ તેઓ બોલવાનું બંધ કરી દે છે. આ લોકો ભલે મોં પર તાળું લગાવી દે, પરંતુ આ લાલ ડાયરી આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે ગોલ કરવા જઈ રહી છે. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, રાજસ્થાનમાં સરકાર ચલાવવાના નામે કોંગ્રેસે માત્ર લૂંટની દુકાન અને જુઠ્ઠાણાનું બજાર ચલાવ્યું છે. ઝૂથઝુ શોપનો લેટેસ્ટ પ્રોજેક્ટ રાજસ્થાનની લાલ ડાયરી છે
પીએમ મોદીનું રાજસ્થાનમાં ભાષણ
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કહેવાય છે કે, કોંગ્રેસ સરકારના કાળા કાર્યો આ લાલ ડાયરીમાં નોંધાયેલા છે. લોકો કહી રહ્યા છે કે, ડાયરીના પાના ખોલવામાં આવે તો મામલો બરાબર ઉકેલાઈ જાય. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને તેના સહયોગીઓએ નવું ષડયંત્ર શરૂ કર્યુરં છે, આ ષડયંત્ર નામ બદલવાનું છે. પહેલાના જમાનામાં જ્યારે પેઢી કે કંપની બદનામ થતી ત્યારે તરત જ નવું બોર્ડ લગાવીને લોકોને ભ્રમિત કરીને પોતાનો ધંધો ચલાવવાનો પ્રયાસ કરતી. કોંગ્રેસ પણ આવું જ કરી રહી છે. યુપીએના દુષ્કર્મો યાદ ન રહે, તેથી તેને બદલીને I.N.D.I.A.
પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજસ્થાનના વિકાસ માટે સતત પૈસા મોકલી રહી છે
પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજસ્થાનના વિકાસ માટે સતત પૈસા મોકલી રહી છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર હતી, ત્યારે રાજસ્થાનને 10 વર્ષમાં ટેક્સના તેના હિસ્સા તરીકે માત્ર 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. છેલ્લા 9 વર્ષમાં ભાજપ સરકારે રાજસ્થાનને ટેક્સના હિસ્સા તરીકે 4 લાખ કરોડથી વધુ રૂપિયા આપ્યા છે. કેન્દ્રમાં 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજસ્થાનને માત્ર 50,000 કરોડ કેન્દ્રીય ગ્રાન્ટના રૂપમાં આપવામાં આવ્યા હતા, અમારી સરકારે 9 વર્ષમાં કેન્દ્રીય ગ્રાન્ટના રૂપમાં રાજસ્થાનને 1.5 લાખ કરોડથી વધુ રકમ આપી છે.