Sabarkantha vadali Parcel Blast : સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન ઈલેક્ટ્રીક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો, પરંતુ અપડેટ માહિતી અનુસાર, પાર્સલમાં આવેલી ઈલેકટ્રોનિક ડિવાઈસને પ્લગીંગ કરતા સમયે બ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના સમાચાર સામે આવતા જ ગ્રામજનો સહિત લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામમાં જીતેન્દ્રભાઈ હીરાભાઈ વણઝારાના નામનું પાર્સલ આવ્યું હતુ, જેને ખોલ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં એક બાળકી સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્ર્સ્ત થયા છે. સૂત્રો અનુસાર, બ્લાસ્ટનો અવાજ આજુ બાજુના દૂર ઘરો સુધી સંભળાયો હતો.
ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી વધું તપાસ શરૂ કરી છે. પોલીસ અનુસાર, પ્રાથમિક માહિતીમાં સામે આવ્યા અનુસાર, કોઈ અજાણ્યો વ્યક્તિ પાર્સલ આપી ગયો હતો, તો કોઈ ઓનલાઈન આવ્યું હોવાનું જણાવી રહ્યા હતા. પરંતુ પાર્સલને જોતા ઓનલાઈન પાર્સલ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ હાલમાં પાર્સલ કેવી રીતે આવ્યું, કોણ આપી ગયું, અને પાર્સલમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તે મામલે તપાસ હાથ ધરી છે. સૂત્રો અનુસાર, આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે એક બાળકીને હોસ્પિલ સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે. આ સિવાય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને ઈડર બાદ વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા છે.
ઈડર વિભાગ ડીવાયએસપી સ્મીત ગોહિલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, પોલીસને માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, બ્લાસ્ટ અંગે પૂછપરછ હાથ ધરતા પાર્સલમાં કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ આવી હતી, જેને પ્લગીંગ કરતા જ તેમાં બ્લાસ્ટ થયો હતો, આ ઘટનામાં જીતેન્દ્રભાઈ વણઝારાનું મોત થયું છે, જ્યારે એક બાળકી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર મળે તે પહેલા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય બે ઈજાગ્રસ્તને હિંમતનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.