ગોપાલ બી.કટેશિયા: 30 ઓક્ટોબર રવિવારનો દિવસ મોરબીવાસીઓ માટે કાળમુખો બનીને આવ્યો હતો. મોરબીમાં મચ્છૂ નદી પરનો ઝુલતો પુલ અચાનક તૂટી જતાં 143 લોકોને ભરખી ગયો. આ સાથે 173 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે હજુ કેટલાક ગાયબ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ ખુલ્લો મુકાયેલા આ પુલ પર રવિવારે 500 જેટલા લોકો મજા માણી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બનતા સમગ્ર ગુજરાત અને દેશમાં હડકંપ મચી ગયો છે.
મોરબીના તત્કાલિન રાજા વાઘજી ઠાકોર દ્વારા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે ઐતિહાસિક ઝુલતા પુલ પર એક સમયે માત્ર 15 લોકોને જ જવા દેવાની પરવાનગી હતી.
નગરપાલિકાના વર્ષ 2010ના પુસ્તક પ્રમાણે જ્યારે લોકો આ પુલ પરથી પસાર થતા હતા તો પુલ નમી જતો હતો. એવા સંજોગોમાં લોકોની સલામતીના ભાગરૂપે લોકોની મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત પુલ પર જવા માટે લોકો પાસેથી નગરપાલિકા તંત્ર 1 રૂપિયો ફી લેતી હતી.
મચ્છૂ નદી પર પુલનું નિર્માણ મુંબઇ સ્થિત એન્જીનિયરિંગ કંપની રિચર્ડસન એન્ડ ક્રુડ્ડસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની સ્થાપના 1858માં થઇ હતી. આ પુલનું ઉદ્ઘાટન 1879માં કરવામાં આવ્યું હતું. જ્યારે આ પુલની સામે કાંઠે રેલવે વર્કશોપ આવેલ હતું. જેને કારણે કારીગરોને પુલ પાર કરવા માટે મથલી પાસ આપવામાં આવતા હતા. નગરપાલિકાની બુકમાં એ પણ ઉલ્લેખ છે કે, એ સમયે મોટે ભાગે પુલના સમારકામના અભાવે બંધ રાખવામાં આવતો હતો.
કંપનીની વેબસાઇટ સંદર્ભે રિચર્ડ એન્ડ ક્રુડ્ડાસ લિમેટેડ એ હેવી ઉધોગ વિભાગના વહીવટના નિંયત્રણ હેઠળનું શેડ્યુલ C CPSE છે. જેની 1858માં સ્થાપના કરવામાં આવી હતી અને સંસદના અધિનિયમ અંતર્ગત વર્ષ 1972માં કંપનીનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. આર એન્ડ સી હેવી એન્જીનિયરિંગ કંપની છે. જેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે.
આ કંપની વિદ્યુત ક્ષેત્ર, તત્કાલીન સાધનો, રેલવે, તેલ અને ગેસ, ઉર્વરર્ક, ચીની ઉદ્યોગ, પરમાણુ ઊર્જા, અવકાશ અને જળ તથા સીવેજ પદ્ધતિની પારેષણ લાઇન, ગેલ્વનાઇઝિંગ પરીક્ષણની જરૂરત પૂરી પાડવા માટે વિવિધ પ્રક્રિયાઓ અને સાધનોના નિર્માણનો વ્યવસાય કરે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વિટ કર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.