scorecardresearch
Premium

ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વરસાદનો કહેર, દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર, આઇએમડીનું આ રાજ્યો માટે રેડ એલર્ટ

Gujarat Heavy Rain : જુનાગઢમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ભયંકર પુર આવ્યુ છે. આ પુરમાં જાનમાલને ઘણુ નુકસાન થયુ છે, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે

Gujarat Rain | Gujarat | Rain
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ગાડી પણ તણાઇ ગઇ હતી (ફાઇલ ફોટો)

Monsoon 2023 : ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદે કહેર મચાવ્યો છે. દિલ્હીમાં યમુના પણ ખતરાના નિશાનથી ઉપર છે. દિલ્હીમાં યમુના કિનારે રહેતા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં જૂનાગઢ અને નવસારીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે પાણીના જોરદાર પ્રવાહમાં અનેક કાર અને પ્રાણીઓ તણાઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટમાં પણ પાણી ઘુસી ગયા હતા. જિલ્લાઓમાં એનડીઆરએફની અનેક ટીમો તૈનાત છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે અને પળે પળેપળની માહિતી લઈ રહ્યા છે.

જુનાગઢમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ભયંકર પુર આવ્યુ છે. આ પુરમાં જાનમાલને ઘણુ નુકસાન થયુ છે. પુર બાદ જુનાગઢમાં કોઇ અનિશ્ચનિય ઘટના ન સર્જાઇ તેની માટે જિલ્લા કલેક્ટર અનીલ કુમાર રાણાવાસિયાએ કલમ 144નું જાહેરનામું બહાર પાડ્યુ છે. જુનાગઢમાં 24 જુલાઇ, 2023ના રાતના 12 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. કલમ 144 દરમિયાન જુનાગઢમાં લોકોને બિનજરૂર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો – જુનાગઢ ભારે વરસાદથી જળબંબાકાર | રસ્તા નદીમાં ફેરવાયા, વાહનો-પશુઓ તણાયા – VIDEO

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર 23 જુલાઇના 8.30 કલાકથી લઇ 24 જુલાઇ 8.30 કલાક સુધીના 24 કલાક માટે વરસાદને લઇ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. તો જુનાગઢ, કચ્છ અને વલસાડમાં પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને આણંદમાં પણ વરસાદ અંગે યલો એલર્ટ છે, એટલે અહીંયા પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. અમદાવાદ, સુરેન્દ્ર નગર, પાટણ, બનાસકાંઠા, મોરબી, બોટાદ, રાજકોટ, ભરૂચ સહિતના બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.

મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. પાલઘર, થાણે, રાયગઢ સહિત મહારાષ્ટ્રના સાત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જણાવી દઈએ કે અત્યાર સુધી સમગ્ર મધ્ય મહારાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે અહીં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ મંગળવારથી ગુરુવાર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને કર્ણાટકમાં પણ વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર

દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે રાત્રે આઠ વાગ્યે યમુનાની જળ સપાટી 206.39 મીટર નોંધાઇ હતી. સાંજે 7 વાગ્યે પાણીની સપાટી 206.37 મીટર નોંધાઈ હતી. યમુનાના જળસ્તરના ખતરાનું નિશાન 205.33 છે.

Web Title: Monsoon 2023 gujarat to maharashtra heavy rain imd red alert ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×