Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ની તૈયારી આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. આપે ગુજરાતમાં લોકસભાના બીજા ઉમેદવારની જાહેરાત કરી છે. આપે ભાવનગર સીટ પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની જાહેરાત કરી છે. આ પહેલા ભરુચ બેઠક પરથી ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં આપે એક સીટ કોંગ્રેસ પાર્ટીને ઓફર કરી
બીજી તરફ દિલ્હીની સાત લોકસભા સીટોમાંથી માત્ર એક સીટ કોંગ્રેસ પાર્ટીને ઓફર કરી છે, જેના કારણે ઇન્ડિયા ગઠબંધન તુટી જાય તેવી સંભાવના છે. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સત્તા છે. લોકસભા ચૂંટણી પહેલા સીટોની વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ રૂપ આપવા માટે કોંગ્રેસ અને આપ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
સીટોની વહેંચણી પર આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યુ કે યોગ્યતાના હિસાબથી કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક પણ સીટને લાયક નથી. પરંતુ ‘ગઠબંધનના ધર્મ’ને ધ્યાનમાં રાખીને અમે તેમને દિલ્હીમાં 1 સીટની ઓફર કરી રહ્યા છે. અમે કોંગ્રેસ પાર્ટીને 1 બેઠક પર અને આપ ને 6 બેઠકો પર ચૂંટણી લડવાની ઓફર કરીએ છીએ.
આ પણ વાંચો – અમિત શાહ ગુજરાતમાં : લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 બેઠકો જીતશે અને NDA 400થી વધુ બેઠકો જીતશે
બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું
ઇન્ડિયા ગઠબંધન પર આપ નેતા સંદીપ પાઠકે કહ્યુ કે સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ પાર્ટી સાથે અમારી બે અધિકૃત બેઠક થઈ પરંતુ આ બેઠકોનું કોઈ પરિણામ આવ્યુ નહીં. આ બે સત્તાવાર બેઠકો સિવાય છેલ્લા 1 મહિનામાં કોઈ બેઠક કે મીટિંગ થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે આગામી બેઠકની રાહ જોઇ રહ્યા છીએ. કોંગ્રેસના નેતાઓને પણ આગામી બેઠકની જાણ નથી. અમે આસામના ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમારી પાર્ટીને આશા છે કે ઇન્ડિયા ગઠબંધન તેનો સ્વીકાર કરશે.
સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. 250 સભ્યોની એમસીડી ચૂંટણીમાં કોંગ્રેસે 9 બેઠકો જીતી હતી.
ચાર અને ત્રણ બેઠકોની ફોર્મ્યુલા પર ના થઇ સહમતિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરૂઆતની ચર્ચા દરમિયાન દિલ્હીમાં 4:3 સીટ શેરિંગ ફોર્મ્યુલા સૂચવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ ચાર સીટ પર અને આપ ત્રણ સીટ પર ચૂંટણી લડશે. જોકે પાઠકનું આ નિવેદન હવે સંકેત આપે છે કે બંને પક્ષો કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવામાં સફળ રહ્યા નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ બેઠકો જીતી લીધી હતી અને કોંગ્રેસ અને આપને એક પણ બેઠક મળી ન હતી.