Jeet Adani marriage: ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહના લગ્ન પૂર્ણ થયા છે. બંનેના લગ્ન આજે શુક્રવાર 7 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં થયા છે. લગ્ન પછી ગૌતમ અદાણીએ તેમના પુત્ર જીત અને પુત્રવધૂ દિવા સાથેની તસવીરો પણ શેર કરી છે. ગૌતમ અદાણીએ કહ્યું છે કે તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારોહ હતો. ચાલો જાણીએ ગૌતમ અદાણીએ લગ્ન વિશે શું કહ્યું છે.
ગૌતમ અદાણી શું કહ્યું
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક્સ હેન્ડલ પર તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, “સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્ન આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે થયા છે. તે એક નાનો અને ખૂબ જ ખાનગી સમારંભ હતો, તેથી અમે ઇચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માંગુ છું. હું મારી પુત્રવધુ દિવા અને જીત માટે તમારા બધા પાસેથી પ્રેમ અને આશીર્વાદ માંગુ છું.”
જીત અદાણી વિશે જાણો
ગૌતમ અદાણીના નાના પુત્ર, જીત અદાણી ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર છે. કંપની પાસે આઠ એરપોર્ટનું સંચાલન અને વિકાસ પોર્ટફોલિયો છે. વધુમાં તેઓ અદાણી ગ્રુપના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્સ અને કોપર ઉદ્યોગો તેમજ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું નિરીક્ષણ કરે છે. તેમની માતા ડૉ. પ્રીતિ અદાણીથી પ્રેરિત, જીતને પરોપકારી પહેલમાં ઊંડો રસ છે.