Jamnagar Sachana Shipbreaking Yard : જામનગર સચાણા શિપ યાર્ડ ફરી એકવાર ધમધમવા માટે હવે તૈયાર છે. સચાણા 17 નંબરના યાર્ડ ખાતે પહેલી શિપ બ્રેકિંગ માટે આવી પહોંચતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, 11 વર્ષથી સચાણા શિપ યાર્ડ કાયદાકીય લડાઈ લડી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના સચાણા 17 નંબરના યાર્ડમાં 11 વર્ષ બાદ ફરી એકવાર પહેલી શિપ બ્રેકિંગ માટે આવી પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, 2012-13થી સચાણા શિપયાર્ડમાં શિપબ્રેકિંગ કામગીરી બંધ થઈ ગઈ હતી. હજારો લોકો તે સમયે બેરોજગાર થયા હતા. 11 વર્ષ કાયદાકીય લડાઈ અને સરકારની મદદ ફરી એકવાર સચાણા શિપયાર્ડ ધમધમવા લાગશે.
લોકોમાં ખુશીનો માહોલ છવાયો
શિપયાર્ડ પર પહેલું જહાર બ્રેંકિંગ માટે પહોંચતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 11 વર્ષથી સચાણા શિપબ્રેકિંગ એસોસિએશન સાંસદ પૂનમબેન માડમ, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને સ્થાનીક આગોવાની મદદ સાથે કાયદાકીય લડાઈ લડી રહ્યું હતુ.
કેમ બંધ થયું હતું સચાણા શિપયાર્ડ
સચાણા શિપયાર્ડનો વિવાદ 2011-12માં સામે આવ્યો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વન પર્યાવરણ વિભાગ તથા રાષ્ટ્રીય અભ્યારણ્ય સંબંધિત વિવાદોના કારણે સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું હતું. આ મામલો કોર્ટમાં ગયો અને 2020માં હાઈકોર્ટે ફરી સચાણા ખાતે શિપ બ્રેકિંગ વ્યવસાય શરૂ કરવાની પરવાનગી આપતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
સચાણા શિપયાર્ડ 1977માં શરૂ થયું હતુ
જામનગરના સચાણા શિપયાર્ડની જામનગરનું અલંગ પણ કહેવામાં આવતુ હતુ. આ શિપયાર્ડ 1977માં શરૂ કરવામાં આવ્યું હતુ. તમને જણાવી દઈએ કે, જામનગરથી જોડિયા જવાના રસ્તે જામનગરથી 25 કિમી દુર આવેલા આ શિપયાર્ડની જાહોજલાલી હતી. હજારો લોકો સીધા અથવા આડકરતી રીતે રોજગાર મેળવતા હતા.
જામનગર સચાણા શિપબ્રેકિંગ એસોશિએશનના પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આનાથી અનેક પરિવારને ફાયદો થશે, સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે. સરકાર દ્વારા હાઈકોર્ટના નિર્ણય બાદ અહીંની પ્રાથમિક જરૂરીયાત માટે ફંડ ફાળવવામાં આવ્યું છે, અને રોડ, પાડી સહિતની સુવિધાઓનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે.