Reliance Jamnagar Refinery: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જામનગર રિફાઈનરીના કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધતા આકાશે કહ્યું કે અમે જામનગરને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર બનાવીશું.
જલ્દી પૂર્ણ થશે કામ
આકાશ અંબાણીએ કહ્યું કે અમે જામનગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહ્યા છીએ અને તેને વિશ્વના નેતા તરીકે જોવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમે જામનગર શૈલીમાં AI પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને 24 મહિનામાં પૂર્ણ કરીશું. આકાશ અંબાણીએ કહ્યું કે તે, ઈશા અને અનંત સાથે મળીને રિલાયન્સને આગળ લઈ જશે અને સુનિશ્ચિત કરશે કે જામનગર હંમેશા રિલાયન્સ પરિવારનું રત્ન બની રહે.
ખાસ રહ્યું છે જામનગર
પિતા મુકેશ અંબાણી અને માતા નીતા અંબાણીનાં વખાણ કરતાં આકાશે જણાવ્યું હતું કે નવા આઇટી યુગમાં જામનગરને વિશ્વ લીડર બનાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે જામનગર હંમેશા રિલાયન્સ પરિવાર માટે ખાસ રહ્યું છે અને અમે તેના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
‘તે તેમનું સપનું હતું’
આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર ઈશા અંબાણીએ કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ઈશા અંબાણીએ તેમના દાદા ધીરુભાઈ અંબાણીને પણ યાદ કર્યા હતા.
ઈશા અંબાણી-પિરામલે કહ્યું, આજે જ્યારે અમે જામનગરના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું મારા દાદાને ખૂબ જ મિસ કરી રહી છું. આ તેમનું સપનું હતું, એક સ્વપ્ન જે તેમના હૃદયમાં રહેતું હતું.
આજે જામનગર કેટલું વિકસિત બન્યું છે તે જોઈને તેમને ખૂબ ગર્વ થયો હશે. જો તે અહીં હોત તો તેમણે પૂછ્યું હોત, ‘તમે લોકો ખુશ છો કે નહીં?’ અને હું કહેવા માંગુ છું કે આજે આપણે સૌ જામનગરની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ છીએ.
મુકેશ અંબાણીના વખાણ
પોતાના પિતા મુકેશ અંબાણીના વખાણ કરતા ઈશાએ કહ્યું કે મેં મારા પિતાને તેમના પિતાના સપનાને સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતા જોયા છે. મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા અને નિશ્ચયી માણસ છે. તેમના માટે ફરજથી મોટું કંઈ નથી. તેમના માટે પિતાનું સપનું પૂરું કરવું એ જ સર્વસ્વ છે.
જામનગર સ્વર્ગ છે
મુકેશ અંબાણી વિશે બોલતા તેમણે વધુમાં કહ્યું કે તમે માત્ર એક બિઝનેસમેન તરીકે જ નહીં પરંતુ એક પુત્ર, પિતા અને એક માનવી તરીકે પણ અમારી પ્રેરણા છો.
જામનગર અને તમે અમને બતાવ્યું છે કે જ્યારે અમે એકતા, જુસ્સા અને ઉદ્દેશ્ય સાથે આગળ વધીએ છીએ ત્યારે અમે દરેક સીમાચિહ્નને હાંસલ કરી શકીએ છીએ.
જામનગર સ્વર્ગ છે અને અમે તેને અમારું ઘર કહીને ગર્વ અનુભવીએ છીએ. ઈશાએ તેની માતા નીતા અંબાણીના જામનગરમાં આપેલા યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વિરોધનો વંટોળ, ઓગડદેવને અણદેખા કર્યાનો આરોપ
મમ્મી માટે જન્મસ્થળ
અંબાણી પરિવાર માટે જામનગરનું મહત્વ સમજાવતા નીતા અંબાણીએ કહ્યું કે તે કોકિલા મમ્મીનું જન્મસ્થળ છે. તે તેના મૂળ અને મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. તે આજે આપણી સાથે છે અને આ બધું તેમના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. તમે દરેક માટે જે કંઈ કર્યું છે તેના માટે ખૂબ ખૂબ આભાર.
પિતા માટે કામ કરવાની જગ્યા
પોતાની વાતને આગળ વધારતા નીતા અંબાણીએ કહ્યું, ‘પિતા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું, તેમનું ભાગ્ય હતું. તે તેમની ફરજ, સમર્પણ, જુસ્સો અને હેતુનું પ્રતીક છે. હું આશા રાખું છું કે તેમના આશીર્વાદ જામનગરમાં આપણા બધા પર વરસતા રહે.
મુકેશ માટે શ્રધ્ધાભૂમિ
તેમના પતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશે બોલતા નીતા અંબાણીએ કહ્યું કે, મુકેશ માટે જામનગર આદરની જગ્યા છે, ભક્તિ અને આદરની ભૂમિ છે. એટલા માટે પપ્પાએ અહીં વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરીનું સપનું જોયું અને મુકેશે તેના પિતાનું સપનું સાકાર કર્યું.
અનંત માટે સેવાભૂમિ
નીતા અંબાણીએ કહ્યું કે અમારા બાળકો અને ખાસ કરીને અનંત માટે જામનગર એ સેવા અને કરુણાની ભૂમિ છે. તે માત્ર જમીન નથી તે અમારા પરિવારની શ્રદ્ધા અને આશાનું ધબકતું હૃદય છે.