Jamnagar| Meghpar robbery : જામનગરના મેઘપર વિસ્તારમાં 20 લાખની લૂંટનો મામલો સામે આવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી, અને દિવસ રાત એક કરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા હતા. આખરે પોલીસ તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. તો જોઈએ શું હતો મામલો? કેવી રીતે પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો? કેમ ફરિયાદીએ જ લૂંટનું ષડયંત્ર રચ્યું?
તમને જણાવી દઈએ કે, મેઘપર પંથકના રંગપર રોડ પર બે દિવસ પહેલા 20 લાખની લુંટ થયાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં જુદી જુદી ટુકડીઓએ સધન તપાસ કરીને ઘટના પરથી પડદો ઉંચકયો છે, ખુદ ફરીયાદી આરોપી નીકળ્યો છે, આર્થીક સંકળામણ અને દેવુ વધી જતા ફરીયાદીએ લુંટ થયાનું તરકટ રચ્યાનો પોલીસ તપાસમાં ધડાકો થયો છે. દરમ્યાન 20 નહી પરંતુ 10 લાખની રકમ ચાંઉ કરવાનો ઇરાદો હતો અને આ રકમ જમીનમાં ખાડો કરીને દાટી દીધી હતી જે પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે.
શું હતો કેસ?
મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીયાદી અવેશ દોસમામદ ખીરા રહે. રંગપર ગામ તા. લાલપુરવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 20 ના પોતે રંગપર ગામથી કાનાલુસ ગામ તરફ જતા કાચા રસ્તે ચોરીમોરા ધાર વિસ્તાર તરફથી કાનાલુસ ગામ તરફ જતા તે દમ્યાન એક મોટરસાયકલ સાથે બે અજાણ્યા લોકો ઉભા હતા, જેઓએ તેને રોકી આંખમાં મરચાની ભુકી છાંટી થેલામાં રહેલ રોકડા 20 લાખની લુંટ ચલાવી અજાણ્યા આરોપીઓ કાનાલુસ ગામ તરફ મોટરસાયકલ સાથે નાશી ગયા હતા.
પોલીસે કેવી રીતે લૂંટનો ભેદ ઉકેલ્યો?
ફરિયાદ બાદ જામનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ થતા, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવએ જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને લૂંટનો ભેદ ઉકેલવા આદેશ કર્યો હતો. પ્રેમસુખ ડેલુએ તુરંત એક્શનમાં આવી એલસીબી, એસઓજી, તથા મેઘપર પડાણા પોલીસ અધિકારીઓને સૂચના આપી નાકા બંધી ગોઠવી તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા ફરિયાદીની આડકતરી રીતે પૂછપરછ દરમિયાન પોલીસને શંકા જતા પોલીસે ફરિયાદીની મેડિકલ તપાસ પણ હાથધરી, ત્યારબાદ ફરિયાદી ભાંગી પડ્યો અને તેણે કોઈ લૂંટ ન થઈ હોવાનું જણાવી સમગ્ર હકિત ઉજાગર કરી, અને પોલીસને લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.
આ પણ વાંચો – એકતરફી પ્રેમમાં પાગલ થયો પ્રેમી: ‘બાળપણની મિત્રએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો, હત્યા કરી દીધી’
કેમ ફરિયાદએ જ લૂંટનું ષયયંત્ર રચ્યું?
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ફરિયાદી ખેત પેદાશની વસ્તુઓ તથા બીયારણનો કમીશનથી ધંધો કરે છે, જેમાં વેપારીઓને પૈસા આપવાના બાકી હોવાથી આર્થિક સંકળામણ થતા દેવુ થઇ ગયું હતું, જે રુપીયાની લેતી દેતી ન કરવી પડે તે માટે તેણે આખુ લૂંટનું ષડયંત્ર રચ્યું. પોલીસ અનુસાર, ફરિયાદીએ પોતે જ પોતાની આંખમાં મરચાની ભુકી જાય નહી તે રીતે છાંટી લૂંટનો બનાવ ઉપજાવી કાઢ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, તેની પાસે 20 લાખ નહીં પરંતુ દસ લાખ રુપીયા જ હતા, જે તેણે જમીનમાં ખાડો કરી સંતાડી દીધા હતા, જે પોલીસે પંચો સાથે રાખી રીકવર કરી કબ્જે લીધા છે. લુંટી ફરિયાદ બાદ પહેલાથી જ પોલીસને બનાવ શંકાસ્પદ લાગતો હતો આથી અલગ અલગ ટીમો બનાવીને નિવેદનો લેવાયા હતા, તેમજ ફરીયાદીની પણ આગવી ઢબે પુછપરછ ચલાવવામાં આવી હતી અને આખરે લુંટની ઘટનાનો પર્દાફાશ થયો.