scorecardresearch
Premium

Ahmedabad Rathyatra: જય રણછોડ… જય માખણચોર, અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો જાણો ઇતિહાસ

Ahmedabad Rathyatra History : અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે. અષાઢ સુદ બીજના દિવસે અહીં ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળે છે. રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ, જય રણછોડ… નાદથી ગૂંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બને છે. હજારો લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાય છે.

Ahmedabad Rathyatra History
અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા ઈતિહાસ

Ahmedabad Rathyatra History : અમદાવાદમાં મંગળવારે તા. 20-06-2023ના રોજ 146મી રથયાત્રા યોજાશે. વહેલી સવારે સાડા 4.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી કરશે, ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરી રથ ખેંચી સવારે 7.05 કલાકે જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાનો શુભારંભ કરાવશે. આ યાત્રા લઘુમતી પ્રભુત્વ ધરાવતા જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરથી શરૂ થાય છે, જે 1411માં સુલતાન અહેમદ શાહ દ્વારા સ્થાપિત અમદાવાદના કિલ્લેબંધી રાજ્યમાંથી પસાર થઈ 14 કિલોમીટરનું એક-માર્ગી અંતર કવર કરીને, મૌસાળ તરીકે ઓળખાતા સરસપુર મંદિરે મામાના ઘરે પહોંચે છે. રથયાત્રા કુલ 18 કિમી ફરી નીજમંદિર પરત ફરે છે.

ઓડિશાના પુરીમાં તેના મૂળ સંસ્કરણથી વિપરીત, જે મોટાભાગે હિંદુ વિસ્તારમાંથી પસાર થાય છે, જ્યારે અમદાવાદની રથયાત્રા મુખ્યત્વે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થાય છે. યાત્રાના મુખ્ય ઘટકોમાં – અખાડાના કલાકારો, ઉત્સાહી સહભાગીઓ, ભજન મંડળીઓ, વિવિધ વેશભૂષા સાથે સંસ્કૃતિને વહન કરતી ટ્રકો, સૂત્રોચ્ચાર સાથે સાંકડી શેરીઓમાં જતા હાથીઓ (ગજરાજ) – તથા ગુજરાત પોલીસ માટે આ રથયાત્રા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની તાલીમ જેવી બને છે.

રથયાત્રા અંગેના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

3 કિમી લાંબી અમદાવાદ રથયાત્રા

અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારબાદ ધીમે ધીમે યાત્રાનો વધુને વધુ વિકાસ થયો છે, હવે લગભગ ત્રણ કિલોમીટરની લંબાઇ સાથે રથયાત્રા નિકળે છે, જેમાં 18 ગજરાજ, 1200 ખલાસી, 2000થી વધુ સાધુ સંતો, રેપિડ એક્શન ફોર્સ (RAF) જેવા અર્ધલશ્કરી દળો સહિત લગભગ 20,000 પોલીસકર્મીઓ સુરક્ષામાં જોડાય છે.

તેમાં ફ્લોટ્સ વહન કરતી ટ્રકોનો પણ સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગના વર્તમાન રાજકીય પરિદ્રશ્ય પર આધારિત હોય છે, જે યાત્રાને રાજકીય રંગ આપે છે. આ યાત્રા પહેલા સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવે છે, જ્યાં બોમ્બ નિકાલ ટુકડીઓ અને સ્નિફર ડોગ્સ દ્વારા માર્ગની તપાસ કરવામાં આવે છે. આ યાત્રા ચોમાસાની શરૂઆતને પણ ચિહ્નિત કરતી હોવાથી, જોખમી ઈમારતોને ડિમોલિશન નોટિસ પણ આપવામાં આવે છે. ટેક્નોલોજીના વિકાસ સાથે, રથ પર જીપીએસ ઉપકરણો લગાવવામાં આવ્યા છે, જેથી કરીને તેને શોભાયાત્રાને ટ્રેક કરી શકાય અને હવે ડ્રોન કેમેરા દ્વારા પણ તેની પર નજર રાખવામાં આવે છે.

રથયાત્રાનો ઈતિહાસ

એવું કહેવાય છે કે, 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કહેવાય છે કે, તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા.

ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન, તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી, આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું, ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.

સારંગદાસજી બાદ બાલમુકુંદદાસજી આવ્યા અને ત્યારબાદ 1878માં ચોથા અનુગામી મહંત નરસિંહદાસજી આવ્યા, તેમને એક દિવસ સપનામાં ભગવન જગન્નાથજીના દર્શન થયા અને ત્યારબાદ પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. નરસિંહદાસજી ગુજરાતી મૂળના એકમાત્ર મહંત હોવાનું કહેવાય છે, જેઓ મંદિરના મુખ્ય પૂજારી હતા, બાકીના હિન્દી પટ્ટાના હતા. મહેન્દ્ર ઝા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી છે, તો નરસિંહદાસજી પછી વર્તમાન મુખ્ય પૂજારી દિલીપદાસજી દિગંબર અખાડાના ગુજરાતી છે.

આ પણ વાંચોRathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાના દિવસે કયા રૂટથી નીકળશો તો નહીં પડે તકલિફ, ફટાફટ જોઇ લો આ નકશો

આ યાત્રાનું આયોજન અષાઢ શુક્લ દ્વિતિયા અથવા અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે, જે કચ્છી નવા વર્ષ તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે, વર્ષનો આ એકમાત્ર દિવસ છે જ્યારે ભગવાન તેમના રથ (રથ) પર બિરાજમાન થઈ ભક્તોને મળવા માટે બહાર આવે છે, ખાસ કરીને એવા લોકો માટે, જે શારીરિક રીતે અશક્ત છે અને મંદિરમાં આવવા માટે અસમર્થ છે. પુરીમાં, પરંપરા મુજબ, અગાઉના કલિંગ રાજ્યના રાજા – ગજપતિ – પાસે ચેરા પહેનરા દ્વારા રથની સફાઈ કરવામાં આવે છે, જેને અમદાવાદમાં પહિંદ પદ્ધતિ કહેવામાં આવે છે, રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. અમદાવાદમાં યાત્રા પહેલા મુસ્લિમ આગેવાનો સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક તરીકે મહંતને ચાંદીનો રથ અર્પણ કરવા જાય છે.

રથયાત્રા અને કોમી રમખાણ

1946 માં, બે સમુદાયો વચ્ચેના વિવાદને પગલે આ યાત્રાએ કોમી રમખાણોને વેગ આપ્યો હતો, જેમાં બે યુવાનો મૃત્યુ પામ્યા હતા. વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યા હતા.

1969 માં, ઉર્સના છેલ્લા દિવસે, એક કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. જગન્નાથ મંદિરની ગાયો, જે તે જ માર્ગ દ્વારા ઘરે પરત ફરી રહી હતી, જેના કારણે વિરોધ થયો હતો. તે ગુજરાતના સૌથી ભયાનક કોમી રમખાણો પૈકીનું એક હતું. ત્યારબાદ રથયાત્રા આવી તો ચિંતા હતી કે ફરી કોમી રમખાણ ફાટી નીકળશે, આ સમયે કાશ્મીરથી ખાન અબ્દુલ ગફ્ફારને શાંતી સ્થાપવાના ઈકાદે બોલાવવામાં આવ્યા હતા, અને પરિણામ સારૂ રહ્યું અને શાંતીપૂર્ણ રીતે રથયાત્રા નીકળી હતી.

કોમી તણાવના સમયે યાત્રાનો રૂટ બદલવા અથવા ઘટાડવાના પ્રયાસો નિરર્થક રહ્યા છે કારણ કે, શોભાયાત્રાને સંવાદિતાના સંકેત તરીકે જોવામાં આવે છે. 1985 માં, જ્યારે શહેર કોમી રમખાણોની પકડમાં હતું, ત્યારે યાત્રાને બંધ કરવાની પોલીસની સલાહને જમણેરી દળો દ્વારા રદ કરવામાં આવી હતી અને યાત્રા ભારે પોલીસ સુરક્ષા હેઠળ શરૂ કરવામાં આવી હતી.

એ જ રીતે, 2002 માં, અમદાવાદના તત્કાલિન પોલીસ કમિશનર કે.આર. કૌશિકે યાત્રાને રદ કરવા અથવા ડાયવર્ઝન કરવાની સલાહ આપી હતી, પરંતુ મંદિરના પૂજારીઓ, VHP અને રાજકીય નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. તે વર્ષે જ બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ સંચાલન બાદ, 2002ના લોહિયાળ રમખાણો કે જેમાં લગભગ 1,200 લોકોના મોત થયા હતા, તે પછી આ યાત્રાને ગુજરાતમાં શાંતિના બીજા માપદંડ તરીકે જોવામાં આવી હતી.

Web Title: History of rath yatra ahmedabad jagannath temple

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×