Gujarat Rain Forecast, Monsoon Alert in Gujarati, ચોમાસાની ચેતવણી, વરસાદની આગાહી : ગુજરાતમાં ચોમાસું પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થતાં દેખાઈ રહ્યા છે. બુધવારે રાતના 8 વાગ્યા સુધીમાં 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે 27 જૂન 2024, ગુરુવાર માટે આગાહી કરી છે કે આજે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો કયાંક છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આજે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 27 જૂન 2024, ગુરુવારના રોજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, દીવ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે આટલા વિસ્તારોમાં મધ્યમ વાવાઝોડા સાથે વરસાદ થશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુરુવારે ગુજરાતના મોટા ભાગના 30-40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વરસાદની શક્યતાઓ છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો
- ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીને આપશે 50 હજાર, ડોક્યુમેન્ટ સહિત તમામ વિગત જાણો
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર
બુધવારે ટંકારામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારે 26 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધારે 4.5 ઇંચ (109 મીમી) વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.