Gujarat Weather Forecast, Monsoon Alert in Gujarati, Gujarat Weather Update, ચોમાસાની ચેતવણી : ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ચુક્યું છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરકારે પણ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દીધી છે. હવામાન વિભાગે આજે 26 જૂન 2024, બુધવારની પણ આગાહી કરી છે. જેમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ બંને જિલ્લાઓ માટે આજે બુધવારનો દિવસ ભારે રહેશે.
વડોદરા અને પંચમહાલમાં આજે પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 26 જૂન 2024 બુધવારના રોજ ગુજરાતના પંચમહાલ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બંને જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે તંત્ર દ્વારા પણ બચાવ અને સુરક્ષાની પુરતી તૈયારીઓ કરી લીધી છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
આજે 20 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે બુધવારની આગાહી કરતા જણાવ્યું હતું કે આજે બુધવારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ- Gujarat Rain : છેલ્લા 14 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4.5 ઇંચ, 15 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ
ચોમાસું આગળ વધવા સ્થિતિ અનુકૂળ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મધ્ય પ્રદેશ, અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા મુન્દ્રા, મહેસાણા, ઉદયપુર, શિવપુરી, સિધ્ધી, ચાઈબાસા, હલ્દીયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલમાંથી પસાર થઈ રહી છે. સિવાય 3-4 દિવસ દરમિયાન ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોથી કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાત અને પડોશ પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે મધ્ય ગુજરાત અને પડોશ પર છે, જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમતુ જાય છે. તો એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલુ છે.