Gujarat Rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથના સુત્રાપાડા અને રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુત્રાપાડામાં 24 કલાકમાં 14 ઈંચ અને ધોરાજીમાં 12 ઈંચ વરસાદ વરસતા પાણી જ પાણી થઇ ગયા હતા. રાજ્યમાં આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 39 તાલુકામાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 12 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.
સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ
આજે સવારથી લઈ અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુત્રાપાડામાં રાતના 8 વાગ્યા સુધીમાં 14 ઇંચ (346 મીમી) વરસાદ ખાબક્યો હતો. જેમાં કોડિનારમાં સાત ઈંચથી (188 મીમી)વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ, તલાલામાં પણ વરસાદ પડ્યો છે. નદી નાળા બે કાંઠે વહેતા જોવા મળ્યા છે.
આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધારે સૂત્રાપાડામાં 345 મીમી (14 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય ધોરાજીમાં 290 મીમી , કોડીનારમાં 188 મીમી , જામકંડોરણા 172મીમી , વેરાવળ 137 મીમી , ઉપલેટા 114 મીમી , મેંદરડા 108 મીમી , તાલાલા 106 મીમી , સુરતમાં 104 મીમી , માળિયા-હાટીયા 76 મીમી , કેશોદમાં 74 મીમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો – અમદાવાદ : ચાર રસ્તા પર પીળા પટ્ટાઓનો શું છે મતલબ?
તળાજા-પાલીતાણાના 17 ગામોને એલર્ટ
ભાવનગરમાં શેત્રુંજી ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. ઉપર વરસાદ ચાલુ રહેતા હજુ પણ ડેમમાં પાણીની આવક સતત આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અને ઉપરથી સતત પાણીની આવક ચાલુ રહેતા તળાજા, પાલીતાણાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
19 જુલાઈ 2023 ના રોજ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 19 જુલાઈ 2023ને બુધવારે અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લામા અતિથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેને પગલે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથ અને નવસારીમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, રાજકોટ, વડોદરા, ભરૂચ, તાપી, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.