Gujarat Rain News : ગુજરાતમાં ફરી મેઘરાજાએ ત્રીજા રાઉન્ડની પધરામણી કરી છે. ગઈકાલે મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં મન મુકીને હેત વરસાવ્યું હતું. જેમાં વડોદરા, દાહોદ, ચોટા ઉદેપુર અને અમદાવાદ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો હતો. તો જોઈએ ક્યાં કેવો વરસાદ પડ્યો. આ બાજુ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો, વડોદરાના ડભોઈમાં સૌથી વધુ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આજ રીતે દાહોદ શહેર અને લીમખેડામાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ છોટા ઉદેપુરના સંખેડા, અમદાવાદના ધોલેરા અને પંચમહાલના જાંબુઘોડામાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો ખેડાના કઠલાલ, દાહોદના ગરબાડા, ભરૂચના વાઘરા, છોટા ઉદેપુરના બોડેલી, ખેડાના માતરમાં અને પંચમહાલના મોરવા હડફમાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 10 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અત્યાર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો
કચ્છ જિલ્લામાં 520 મીમી એટલે કે સિઝનનો 102 ટકા વરસાદ પડી ચુક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં 54 ટકા તો બનાસકાંઠામાં 62 ટકા, મહેસાણા જિલ્લામાં 47 ટકા, સાબરકાંઠામાં 51 ટકા, અરવલ્લીમાં 41 ટકા અને ગાંધીનગર જિલ્લામાં 31 ટકા સિઝનનો વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો – ગુજરાત પાંચ દિવસ વરસાદ આગાહી : મેઘરાજા ફરી સક્રિય, 19 જુલાઈએ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
આજે ક્યાં કેવો વરસાદ પડી શકે છે?
હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલીમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને ગાજ વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.