Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): નવરાત્રીના હવે બે દિવસ બાકી રહ્યા છે. આજે આઠમું નોરતું છે અને આવતી કાલે શુક્રવારે નવમું નોરતું. આત્યાર દિવસોમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમી રહ્યા છે. પરંતુ ખેલૈયાઓ માટે આજનો દિવસ ચિંતા કરવાનો છે. કારણ કે આજે વરસાદ ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે.
હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં ચાર ઈંચ ખાબક્યો હતો. આજે સવારથી જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ છે.
24 કલાકમાં ડાંગના આહવામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં ચાર ઈંચ ખાબક્યો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| ડાંગ | આહવા | 101 |
| સુરત | ઉમરપાડા | 73 |
| ભરૂચ | નેત્રંગ | 22 |
| નવસારી | ખેરગામ | 21 |
| નર્મદા | દેડિયાપાડ | 21 |
આજે ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે વરસાદ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. જેના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાન સુકૂં રહેવાની રહેશે.