Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર, મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાન મચાવી દીધુ છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડા, વેરાવળ, તલાલા, કોડિનાર તો રાજકોટના ધોરાજીમાં જાણે રીતસર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક જ દિવસમાં સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ, તો વેરાવળમાં 19.50 ઈંચ વરસાદ પડતા આ બે તાલુકા પાણીમાં ઘરકાવ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે, રોડ રસ્તા પર પાણી ફરી વળતા કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો નદીઓ ગાંડીતૂર બની છે.
સૌરાષ્ટ્રમાં ક્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ, વેરાવળમાં 19.50 ઈંચ વરસાદ, તલાલામાં 12 ઈંચ, કોડિનારમાં 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજા નંબરે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં ધોરાજી તાલુકામાં 12 ઈંચ વરસાદ, જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 4.50 ઈંચ, ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં માંગરોળમાં 8 ઈંચ, મેદરડામાં 4.25 ઈંચ, કેશોદમાં 3.50 ઈંચ, વિસાવદરમાં 2.50 ઈંચ, માણાવદરમાં 2.25 ઈંચ વરસાદ ખાબક્યો છે તો માલિયા હાટિનામાં પણ 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતમાં વલસાડના વાપીમા સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. વાપીમાં 4.50 ઈંચ, સુરત શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય નવસારીના ખેરગામમાં 2.50 ઈંચ, વલસાડ સીટી અને ઉમર ગામમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય કયા તાલુકામાં કેવો પડ્યો વરસાદ
રાજ્યના અન્ય વિસ્તારની વાત કરીએ તો, મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદમાં 4 ઈંચ, મહિસાગરના લુણાવાડામાં 3.50 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 3 ઈંચ, સાબરકાંઠાનાના વડાલીમાં 2.50 ઈંચ, વડોદરાના ડભોઈમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય સંખેડા, ઈડર, ખેડબ્રહ્મા, કડાણા, બારડોલી, બાલાસિનોર, ધરમપુર, આણંદ શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 12 તાલુકામાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે કયા વિસ્તારને મેઘરાજા ઘમરોળશે
હવામાન વિભાગ અનુસાર, 19 જુલાઈ 2023ને બુધવારે અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લામા અતિથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેને પગલે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. તો જુનાગઢ, ગીર સોમનાથ અને નવસારીમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, રાજકોટ, વડોદરા, ભરૂચ, તાપી, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.