Gujarat Road Accident : ગુજરાતમાં મંગળવારે બે મોટા રોડ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દાહોદના ગરબાડા અલીરાજપુર હાઈવે પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. તો સુરેન્દ્રનગર લખતર હાઈવે પર 3 લોકોના રોડ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
દાહોદ અકસ્માતમાં 6 ના મોત
સૌપ્રથમ દાહોદ અકસ્માતની વાત કરીએ તો, દાહોદ જિલ્લાના ગરબાડા અલીરાજપુર હાઈવે પર પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર 6 લોકોના સ્થળ પર જ મોત થયા છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી છે. સાથે મૃતકોને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર લખતર હાઈવે અકસ્માતમાં 3 ના મોત
આ બાજુ બીજો અકસ્માત સુરેન્દ્રનગર લખતર હાઈવે પર સર્જાયો છે. આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો છે. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે.
આ પણ વાંચો – Dasada zainabad Accident: સુરેન્દ્રનગરના દસાડા જૈનાબાદ વચ્ચે અકસ્માત, કારના ફૂરચે ફૂરચા ઉડ્યા, ચારના મોત
પોલીસ અનુસાર, ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. મૃતકોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લખતર પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે બાજુ તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.