Gujarat Heavy Rainfall : જેમ જેમ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ રાજ્યના મોટાભાગના ભાગોમાં વરસાદ લાવી રહ્યું છે, તો છોટા ઉદેપુર અને દાહોદના આદિવાસી જિલ્લાઓમાં નદીઓ વહેતી થઈ ગઈ છે, જેના કારણે દૂરના ગામડાઓ સુધી પહોંચવાનું પણ બંધ થઈ ગયું છે.
હીરણ નદીમાં ભંગાણ સર્જાયું, 100 જેટલા ગામોનો સંપર્ક ખોરવાયો
છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 103.2 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જિલ્લાની હિરણ નદીમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે બેલપુર અને સોયથાણાના અંતરિયાળ ગામોને જોડતો હંગામી પુલ ધોવાઈ ગયો છે. દુગડા ગામને ડુંગરાળ વિસ્તારના 100 જેટલા ગામડાઓ સાથે જોડતો નસવાડી તાલુકાની મુખ્ય નદી પર બનેલો પુલ પાણી નિકળવા માટે આઉટલેટ ન હોવાથી પાણીમાં ડૂબી ગયો છે. પૂરના કારણે આ વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
દાહોજના બાયણા માં પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું
દાહોદ જિલ્લામાં મંગળવારે 24 મીમી વરસાદ નોંધાયો હતો, દેવગઢ બારીયા તાલુકાના બાયણા ગામે મંગળવારે પાનમ નદીમાં ફસાયેલા ટ્રેક્ટરના ચાલક સહિત બે લોકોને બચાવી લેવાયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેક્ટર રેતીના ખનનમાં રોકાયેલું હતું અને નદીના પટમાંથી ખોદકામ કરી રહ્યું હતું, જ્યારે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીમાં પાણી ભરાઈ ગયું હતું. ટ્રેક્ટર ચાલક અને હેલ્પર મદદ માટે ડ્રાઈવરની કેબીનની છત પર ચઢી ગયા હતા અને સ્થાનિક લોકો બંનેને બચાવવા દોડી આવ્યા હતા. ટ્રક સાથે દોરડાની મદદથી ટ્રેક્ટરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 64 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે પાનમ નદીમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડા અને વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 50 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 48 મીમી વરસાદ નોંધાયો છે.
સાત જિલ્લામાં 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સાત જિલ્લાઓમાં ટીમો મોકલી છે, જ્યાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. એનડીઆરએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જરોડ સ્થિત 6ઠ્ઠી બટાલિયન વડોદરાએ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં એક-એક ટીમ તૈનાત કરી છે.
ક્યાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. તો ગુરૂવારે પણ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
કોડીનાર, જૂનાગઢ, કોડીનાર, ટંકાર અને ગોંડલમાં મેઘરાજાની ધબધબાટી
આજે મેઘરાજાએ 18 જિલ્લામાં 66 તાલુકાઓમાં ધબધબાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં 78 મીમી, તો જુનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ શહેરમાં 71 મીમી વરસાદ નોંધાયો છે. તો મોરબીના ટંકારામાં 69 મીમી, રાજકોટના ગોંડલમાં 67 મીમી, બનાસકાંઠાના દાંતામાં 58 મીમી, રાજકોટના જેતપુરમાં 49 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય સૂત્રાપાડા, કાલાવડ અને મેંદરડામાં 40 થી 50 મીમી ની વચ્ચે વરસાદ નોંધાયો છે. તો પાટણ-વેરાવળ, ઈડર માં 30 થી 40 મીમીની વચ્ચે વરસાદ પડ્યો છે. તો મોરવા-હડફ, ઉમરપાડા, માંગરોળ, દિયોદર, વંથલી, માલિયા હાટિના અને તલાલામાં 20 થી 30 મીમીની વચ્ચે વરસાદ નોંધાયો છે. આ બાજુ, કેશોદ, લાલપુર, માણાવદર, ધોરાજી, પોશિના, ઉપલેટા, સાંતલપુર, જામજોધપુર, રાજકોટ, કુકાવાવ વાડિયા, જામકંડોરણા અને નવસારીમાં 10 થી 20 મીમી ની વચ્ચે વરસાદ પડ્યો છે. તો મહુવા, સુરત શહેર, સંખેડા, ડભોઈ, સુબિર, ખેરગામ, ધરમપુર, રાધનપુર, તિલકવાડા, જલાલપોર, ભાણવડ, રાજુલા, કરજણ, માળિયા, નેત્રંગ અને કામરેજમાં 1 મીમી થી 10 મીમી વચ્ચેનો વરસાદ નોંધાયો છે.