Gujarat Rainfall News : ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સુરતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પલસાણામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરત શહેર પણ ચાર ઈંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે, અને શહેરમાં બોટ ફરતી જોવા મળી છે.
સુરત જિલ્લામાં જળબંબાકાર
સુરત શહેર તથા જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલાક વિસ્તારમાં કાર પણ પાણીમાં ડુબેલી જોવા મળી છે. અંડર પાસ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ, તો કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, આ બાજુ વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, સહિતના વિસ્તારો જાણે રીતસર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આ સિવાય ભારે વરસાદને પગલે એક ઝાડ ધરાશાયી થઈ રીક્ષા પર પડતા રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તમને જણાવી દઈએ કે, સુરત શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાતથી જ વરસાદ દબધબાટી બોલાવી રહ્યો છે.
રોડ રસ્તા પાણી પાણી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
સુરત શહેરમાં ઉધના સહિતના નિચાણ વાળા વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે. તો રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ડુબેલી જોવા મળી રહી છે. આકાશમાં હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અને વરસાદ હજુ પણ સુરત જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. આ બાજુ તંત્ર પણ ભારે વરસાદને પગલે દોડતું થઈ ગયું છે, જ્યાં જરૂર હોય ત્યાં રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. અનેક જગ્યાએ ઝાડ પડવાના કોલ મળી રહ્યા છે, તો વીજ પોલ ધરાશાયી પણ થયા છે.
ક્યાં કેવો વરસાદ?

વરસાદના આંકડા પર નજર કરીએ તો, સુરતના પલસાણામાં સૌથી વધુ 148 મીમી, તો સુરતના બારડોલીમાં 130 મીમી, સુરત શહેરમાં 119 મીમી, વલસાડના વાપીમાં 117 મીમી, સુરતના મહુવામાં 116 મીમી, સુરતના કામરેજમાં 115 મીમી, સુરતના ઓલપાડમાં 111 મીમી, વલસાડ શહેર અને કપરડામાં 102-89 મીમી, ભરૂચ અને ખેરગામમાં 86 મીમી, ધરમપુરમાં 70 મીમી, મોરબીમાં 69 મીમી, ઉમરપાડામાં 59 મીમી, હાંસોટમાં 58 મીમી, નવસારીમાં 57 મીમી, જલાલપોર, ગણદેવી, સોનગઢ, વાલોદમાં 54 મીમી, વાઘરા, માંડવી અને સંખેડામાં 53 મીમી, તાપીમાં 52 મીમી, ધનસુરામાં 51 મીમી વરસાદ નોંધાયો છે.
તો અંકલેશ્વર અને ડોલવાણમાં 49 મીમી, ચીખલીમાં 46 મીમી, બોડેલીમાં 43 મીમી, માંગરોળમાં 42 મીમી, વલ્લભીપુર અને નાંદોદમાં 40 મીમી, વઘઈમાં 39, પારડીમાં 38 મીમી, ધોરાજી, ઉમરાળા અને વાંસદામાં 37 મીમી, માતરમાં 35 મીમી, દ્વારકામાં 34 મીમી, જામકંડોરણામાં 33 મીમી, વાલિયા, ડાંગ આહવા અને ઉંમરગામમાં 32 મીમી, ભૂજમાં 31 મીમી, સુબિરમાં 30 મીમી, તો પાદરા, જાંબુઘોડા, નેત્રંગ, ગાંધીધામ જેતપુર, તીલકવાડા, ઝગડિયા, અમદાવાદ, ધોલેરા, ટંકારા, કુકાવાવ, વાડિયા, ડભોઈ, ગઢડા, પેટલાદ, ચોરાસી, કડી, તળાજા, ઘોઘા, સિનોર, હળવદ, બરવાળા સહિતના તાલુકામાં 20 થી 29 મીમી, તો 29 તાલુકામાં 10 થી 19 મીમી, અને 69 તાલુકામાં 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે.