Gujarat Rain : રાજ્યમાં વરસાદની ધીમી ધારે વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 9 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ખંભાતમાં 2 ઇંચ (44 મીમી) વરસાદ વરસ્યો છે. શુક્રવારે 10 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખંભાતમાં 44 મીમી, ગળતેશ્વર, ધોળકા 37 મીમી, સાંજેલી 35 મીમી, શેહરા, મહેમદાબાદ 29 મીમી, વડગામ 27 મીમી, મોરવા હડફ, ખેડા 26 મીમી, નડીયાદમાં 25 મીમી, આંકલાવ 24 મીમી, કાંકરેજ, ખેડા 23 મીમી, મેઘરજ 20 મીમી, સાણંદ 19 મીમી, ઇચ્છલ 18 મીમી, સોજિત્રા 17 મીમી, નડીયાદ 16 મીમી, અમદાવાદ,તારાપુર, શુબીર, કપરાડામાં 12 મીમી, માતર,સોનગઢમાં 11 મીમી અને જોડિયામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.
આ પણ વાંચો – રાજ્યમાં 75 તાલુકામાં મેઘમહેર, વડોદરામાં ચાર કલાકમાં 3.5 ઇંચ વરસાદ
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 70 ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી
વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. 9 ઓગસ્ટે બપોરે 3 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે 6622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.