Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેમ જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ વરસી રહ્યો નથી. 19મી ઓગસ્ટને રક્ષાબંધનના દિવસે ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ સિવાય ભારે વરસાદ વરસ્યો નથી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 19 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતાઓ નહીંવત છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં 27 મીમી, તળાજામાં 26 મીમી, પંચમહાલના શેહરામાં 20 મીમી, વઘઈ 15 મીમી, વલોદ 14 મીમી, કપરાડા,ડોલવનમાં 10 મીમી, ડાંગ આહવા 9 મીમી, ખાંભા 7 મીમી, ગોંડલ 5 મીમી, ઇડર 3 મીમી, નવસારી 2 મીમી અને જલાલપોર, ધરમપુર, શુબીર અને વ્યારામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – આ દિવસથી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે શું કરી આગાહી?
20 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય કચ્છ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.