Gujarat Rain : રાજ્યમાં વરસાદ ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શનિવારે 10 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના ડોલવણમાં 56 મીમી (2 ઇંચ)વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડોલવણમાં 56 મીમી, ભાભર અને ઉમરપાડામાં 41 મીમી, ધરમપુર 34 મીમી, ખેરગામ 32 મીમી, વલસાડ અને ધાંગ્રધામાં 24 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 82 તાલુકામાં 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ વરસ્યો છે
11 ઓગસ્ટને રવિવારની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્મય વરસાદ પડવાની સંભાવના છે. 11 ઓગસ્ટેને રવિવારની વાત કરીએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો – રાજ્યમાં 97 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે ખંભાતમાં 2 ઇંચ વરસાદ
જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો છે. નર્મદા ડેમમાં સિઝનમાં પ્રથમવાર સપાટી 133.61 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 4,19,139 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે.