Gujarat rain forecast : ગુજરાતમાં પાંચ દિવસ મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટીંગ કરી, જેને પગલે અનેક નદી-નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે. વાવણી લાયક સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં તડકો નીકળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો
હવામાન વિભાગના આંકડા અનુસાર, જુનાગઢના મેંદરડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગીર સોમનાથના તલાલામાં 3.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો, તો ભરૂચના વાલીયામાં 2.50 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 2.15 ઈંચ, કેસોદમાં 1.75 ઈંચ, વલસાડના કપરાડામાં 1.75 ઈંચ, દાહોદમાં 1.20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય મોટાભાગના તાલુકામાં અડધાથી 1 ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં સિઝનનો સરેરાશ 38 ટકા વરસાદ નોંધાયો
અમદાવાદમાં અત્યાર સુધીમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જો ઝોન વાઈસ વાત કરીએ તો, ઈસ્ટ ઝોન – 9.66, વેસ્ટ ઝોન – 12.94, નોર્થ-વેસ્ટ ઝોન – 11.86, સાઉથ-વેસ્ટ ઝોનમાં 13.13, સેન્ટ્રલ ઝોનમાં 11.68, નોર્થ ઝોનમાં 11.25 તો સાઉથ ઝોનમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જો ચોમાસાની સિઝનનો કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 38 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ વાતાવરણ વાદળછાયું રહી શકે છે, અને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે.
કયા જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો
ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વરસાદ વલસાડ, જુનાગડ, ગીર સોમનાથ અને કચ્છમાં નોંધાયો છે. ટકાવારીમાં વાત કરીએ તો, કચ્છમાં 16 ઈંચ – સરેરાશ87.44 ટકા વરસાદ નોંધાયો, તો જુનાગઢ – 25 ઈંચ – સરેરાશ 65 ટકા વરસાદ નોંધાયો, વલસાદ – 28.11 – સરેરાશ 30.66 ટકા વરસાદ નોંધાયો, નવસારી – 23 ઈંચ – સરેરાશ 31.34 ટકા વરસાદ નોંધાયો, તો ગીર સોમનાથમાં 19 ઈંચ, સરેરાશ 49 ટકા વરસાદ નોંધાયો છે.
આગામી ચાર દિવસ કેવો રહેશે માહોલ
03 – 07 – 2023
હવામાન વિભાગ અનુસાર, આજે ક્યાંય ભારે વરસાદની સંભાવના નહિવત છે. દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં છૂટા છવાયા ઝાપડા પડી શકે છે, તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા કચ્છમાં હવામાન શુષ્ક રહી શકે છે.
04 – 07 – 2023
દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારીમાં ગાજ વીજ સાથે છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે. બાકી તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
05 – 07 – 2023
દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારીમાં ગાજ વીજ સાથે છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે. બાકી તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
06 – 07 – 2023
6 જૂલાઈએ ફરી મેઘરાજા બેટીંગ કરવા ઉતરી શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્ર્ અને કચ્છમાં ભારે પવન, અને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, કલાકે 30-40 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચો – દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ : તાપીમાં 57 રસ્તા બંધ, નવસારી, જામનગર, રાજકોટ, કચ્છ પાણી-પાણી..
અંબાલાલે આગામી દિવસ માટે શું આગાહી કરી
વેધરને લઈ અંબાલાલે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી 7થી 12 જુલાઈ ફરી વરસાદનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો 11 અને 12 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય 25 જુલાઈથી 8 ઓગસ્ટ ફરી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.