Gujarat Rain Forecast : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. ગઈકાલે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 22 ઈંચ, વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો આજે સવારથી જ મેઘરાજા જુનાગઢના માંગરોળ, માળિયા હાટીના, ગીર સોમનાથના વેરાવળ, વલસાડના વાપી અને આણંદના ઉમરેઠ અને સોજિત્રામાં તાંડવ મચાવી રહ્યા છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં જલબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢના માંગરોળ અને માળિયા હાટીમાં તો રોડ રસ્તા, નદીઓ, નીચાણવાળા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.
આજે કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવમાન વિભાગ અનુસાર, આજે સમગ્ર રાજ્યમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. પરંતુ, જુનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વલસાડ જિલ્લામાં તો તાંડવ મચાવી દીધુ છે. હવામાન વિભાગની આગાહીમાં, 19 જુલાઈ 2023ના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ જિલ્લામાં આજે અતિથી અતિભારે વરસાદ પડી શકવાની પૂરી સંભાવના છે.
આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
જો વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેનો મતલબ આ જિલ્લામાં છૂટાચવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આજે કયા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી
આ સિવાય વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આજે કયા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જો હળવા-મધ્યમ વરસાદની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો – ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું, સુત્રાપાડામાં 22 ઈંચ, વેરાવળમાં 19.50 ઈંચ, નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં આભફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતા. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ, તો વેરાવળમાં 19.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય રાજકોટના ધોરાજી, ગીર સોમનાથના તલાલા, જુનાગઢ, ભાવનગર, અરવલ્લી જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડના વાપીમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી, જેને પગલે શહેર, ગામડા જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા.