Important news from Gujarat : ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચારો પર નજર કરીએ તો, ગુજરાતમાં જંગલો ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું છે, તો રાજ્યસભાના એક રિપોર્ટમાં રાજ્યમાં પાંચ વર્ષમાં 2554 સગીર યુવાનો દ્વારા આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, આ સિવાય ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પ્રજાતિના પક્ષીની સંખ્યા સતત ઘટી રહી હોવાની વિગત પણ સામે આવી છે. આ સિવાય રાજ્યમાં બે દિવસમાં 28 લાખની ચોરી તો બનાસકાંઠામાં 78 લાખની રોકડ સાથે એક વ્યક્તિ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં જંગલો ઘટી રહ્યા, હરિયાળા ગુજરાતની વાતો પોકળ સાબિત થઈ રહી
ગુજરાત સરકાર દ્વારા વધુને વધુ વૃક્ષો વાવી હરિયાળા ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે. રાજ્યમાં જંગલ વિસ્તાર ઘટી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પર્યાવરણ વિભાગના એક રિપોર્ટના આંકડા કહી રહ્યા છે કે, રાજ્યમાં અમદાવાદ, આણંદ અને નર્મદા જિલ્લામાં જંગલો ઘટી રહ્યા છેસ અને લીલીછમ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ડાંગ, તાપી, વડોદરા, સુરેન્દ્રનગર, દાહોદ, ખેડા, ભરૂચમાં પણ જંગલ ઘટ્યું છે, તો ગાંધીનગર, વલસાડ, જામનગર, મહેસાણા, અમરેલી અને પંચમહાલમાં જંગલોમાં વધારો થયો છે. મહત્ત્વની વાત એ છે કે, પર્યાવરણ વિભાગ દ્વારા જંગલ વધારવા કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતા, જંગલો વિસ્તાર સતત ઘટી રહ્યો છે.
અમદાવાદમાં સાયન્સ સીટી અને સિંધુ ભવન રોડ પર બે દિવસમાં 28 લાખની ચોરી
અમદાવાદમાં બે દિવસમાં બે મોટી ઘરફોડ ચોરીના બનાવ સામે આવ્યા છે. જેમાં સાયન્સ સીટી વિસ્તારમાં એક બંગ્લોમાંથી 20 લાખની ચોરી થઈ છે, જ્યારે સિંધુ ભવન રોડ પર આવેલા બંગ્લોમાંથી 8 લાખની ચોરી થઈ છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે સિંધુ ભવન રોડ પર આવેલા નિલકંઢ બંગ્લોમાં એક શાહ પરિવારને ત્યાં રાત્રે રોકડ, તથા સોના-ચાંદીના દાગીના સહિત 8 લાખની ચોરી થઈ હતી, જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તો શનિવાર રાત્રે સાયન્સ સીટી રોડ પર આવેલા સીલીટેર બંગ્લોમા એક સીએના ઘરમાં ચોરોએ વરંડાની જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદી-હીરા સહિત રોકડ મળી કુલ 20 લખાની ચોરી કરી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં થઈ છે. સરખેજ પોલીસ અને બોડકદેવ પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા.
ગુજરાતમાં પાંચ વર્ષમાં 2554 સગીર યુવાનોએ આત્મહત્યા કરી
ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ શારીરક, તો કોઈ માનસિક તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં પણ આપઘાત કરવાની ઘટનાઓ વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં 2017માં 485, 2018માં 518, 2019માં 496, 2020માં 532 તો 2021માં 523 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર યુવાનોએ આપઘાત કર્યો છે. રાજ્યમાં સગીરો દ્વારા આપઘાતની ઘટના એક મોટી ચિંતાજનક વાત છે. ભણતરનો ભાર, માનસિક તણાવ, પરીક્ષાનો ડર, પ્રેમ સંબંધ જેવા કારણોને કારણે સગીરોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, નેશનલ ક્રાઈમ રેક્રોડ અનુસાર, ગુજરાત કરતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં સગીરોની આત્મહત્યાની ઘટના વધારે સામે આવી છે, તો ગુજરાતની સરખામણીમાં ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાળામાં ઓછા આપઘાતના કેસ નોંધાયા છે.
બનાસકાંઠાની અમિરગઢ ચેકપોસ્ટ પર 78 લાખની રોકડ સાથે એક ઝડપાયો
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર એક કારને રોકી ચેકિંગ કરાત તેની પાસેથી 78 લાખની રોકડ મળી આવી હતી. આ અંગે પોલીસે કાર ચાલકને રોકડ અંગે માહિતી માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ પોલીસે ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપતા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. કારચાલક રાજસ્થાનના શિરોહીથી અમદાવાદ જઈ રહ્યો હતો, તે સમયે પોલીસે ઝડપ્યો.
ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પ્રજાતિના પક્ષી લુપ્ત થવાને આરે
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં આયોજિત ગ્રીન ગ્રોથ અને વિકાસ ભી એક સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતમાં સતત ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પ્રજાતિના પક્ષીની સંખ્યા ઘટી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શાંત સ્વભાવનું અને નીચી ઉડાણ ભરતા આ પક્ષીની સંખ્યા સતત ઘટી રહી છે. કહેવાય છે કે, 2017માં આ પક્ષીની સંખ્યા 17 હતી, જે હવે માત્ર 04 જ રહી છે, અને તે પણ માદાઓ છે. રાજ્યમાં આ પક્ષીના અસ્તિત્વનું જોખમ સર્જાયું છે. આ મામલે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, શિકાર થવાના કારણે પક્ષીની સંખ્યા ઘટી છે.
આ પણ વાંચો – વડોદરા પ્રાણીસંગ્રહાલયમાં હિપ્પોપોટેમસના હુમલામાં બચેલા ક્યુરેટરની આપવીતી, ‘…મે છેલ્લી પ્રાર્થના કરી દીધી હતી’
સાત વર્ષથી પ્રદૂષણના માપદંડોની ચકાસણી ન થતા કેમિકલ ઉદ્યોગો પરેશાન
તો બીજી બાજુ વટવા, ભરૂચ, જેવા કેટલાક આદ્યોગિક વિસ્તારોમાં સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા સાત વર્ષથી પ્રદુષણના માપદંડોની ચકાસણી ન કરવામાં આવતા, કેમિકલ ઉદ્યોગને મોટાપાયે નુકશાન થયું હોવાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, 2018માં પર્યાવરણના માપદંડોને લઈ કેન્દ્રીય પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કેટલાક ઉદ્યો દ્વારા માપદંડો જળવાયા ન હતા ત્યારબાદ કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી અત્યાર સુધી એટલે કે, સાત વર્ષ બાદ પણ ફરી આ મામલે ચકાસણી ન થતા કેમિકલ ઉદ્યોગને મોટું નુકશાન થઈ રહ્યું હોવાની રજુઆત કરવામાં આવી હતી, સાથે વિનંતી કરાઈ હતી કે, દર બે વર્ષે ચકાસણી કરવામાં આવે.