Gujarat Rain: ગુજરાતમાં રવિવારના રોજ વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 28 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગર અને આણંદના પેટલાદમાં 23 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે રવિવારે એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના વિજયનગર અને આણંદના પેટલાદમાં 23 મીમી, વાંસદા 22 મીમી, ઇડર 21 મીમી, ડેડિયાપાડા, વઘઇ, ડાંગ આહવામાં 16 મીમી, કરજણ 1 મીમી, શુબીર 14 મીમી, વડાલી, ખેરગામ, કપરાડામાં 12 મીમી, ખંભાત 11, દેવગઢ બારીયા, ધનપુર, પલસાણા અને નવસારીમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 55 તાલુકામાં 1 થી લઇને 7 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
29 જુલાઇની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની 29 જુલાઇને સોમવારના રોજ આગાહીની વાત કરવામાં આવે તો અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – રાજ્યમાં વરસાદની ગતિ ધીમી, રવિવારે બે જિલ્લા માટે Red Alert
રાજ્યમાં સિઝનનો 54.88 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 73.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 34.37 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 29.61 ટકા વરસાદ વરસ્યો છે