ગુજરાતના બોટાદમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે કરિયાણી ગામ નજીક એક કાર નદીમાં તણાઈ ગઈ હતી, આ કારમાં કુલ નવ લોકો સવાર હતા. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, NDRF ટીમ બોટાદ પહોંચી ગઈ છે અને કાર અને નવ ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધખોળ કામગીરી હાથ ધરી છે.
NDRF ટીમના કમાન્ડર ઇન્સ્પેક્ટર વિનય કુમાર ભાટીએ જણાવ્યું હતું કે નદીમાં કાર તણાઈ જવાની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, બેને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બચી ગયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. બોટાદના SDM આરતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે ગઈકાલે નવ લોકો સાથે એક કાર તણાઈ ગઈ હતી. નવ લોકોમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે.
છેલ્લા બે દિવસથી ભાવનગર અને બોટાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અહીં જીનજીવન ખોરવાયું છે. આ ઉપરાંત બોટાદના ખાંભડા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરિયાના મોજા જેવો પાણીનો જોરદાર પ્રવાહ ગામમાં ઘૂસી ગયો છે, જેના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
આ પણ વાંચો: કીર્તિ પટેલની ધરપકડ, બે કરોડની ખંડણી મામલે 10 મહિનાથી હતી ફરાર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. ત્યાં જ NDRF ની 12 ટીમો અને SDRF ની 22 ટીમો રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 139 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં મંગળવારે ગઢડામાં પૂરના પાણીમાં ફસાયેલા 18 લોકોના હૃદયદ્રાવક બચાવનો પણ સમાવેશ થાય છે.