Gujarat IMD weather forecast: અમદાવાદ, ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં શનિવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચેક દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, વેરાવળ, ઉના, પોરબંદરમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ છે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, ડીસા, મહેસાણામાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ વરસી રહ્યો હોવાથી ઘણી જગ્યાએ નદી-નાળા છલકાઇ જતા રોડ-રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.
અમદાવાદમાં શનિવાર આખી રાત વરસાદ વરસ્યો
અમદાવાદમાં શનિવારની સાંજે શરૂ થયેલો વરસાદ આખી રાત ચાલુ રહ્યો હતો, પરિણામ ઘણા સ્થળે પાણી ભરાઇ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રવિવારે પણ શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી-ઉકળાતથી રાહત અનુભવી હતી. જો કે વરસાદના લીધે અમદાવાદની ઢાળની પોળમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયાની ઘટના બની છે, જો કે સદનસીબે તેમાં કોઇ જાનહાની થઇ નથી.
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, ડીસા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે બેટિંગ જમાવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટલ માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
કચ્છમાં ભારેથી અતિ ભારેમાં વરસાદની ચેતવણી
હવામાન વિભાગે રવિવારે કચ્છમાં વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર પણ છેલ્લા કેટલાંક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, જુનાગઢ અને સુરતમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.