Gujarat Rain: ગુજરાતમાં હજુ જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે ચોમાસાની પ્રગતિ જોવા મળી નથી. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય રાજ્યમાં અંદાજ પ્રમાણે વરસ્યો નથી. હવામાન વિભાગના વરસાદના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 21 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બોટાદના રાણપુરમાં 20 મીમી વરસાદ વરસ્યો છે.એટલે કે એક ઇંચથી વધારે ક્યાંય વરસાદ વરસ્યો નથી.
આ સિવાય હવામાન વિભાગના ડેટા પ્રમાણે સુરેન્દ્રનગરના ચુડામાં 17 મીમી, છોટા ઉદેપુરના કાંવતમાં 15 મીમી, બોટાદમાં 14 મીમી, ભાવનગરના જેસરમાં 7 મીમી વરસાદ નોંધ્યો છે. આ સિવાય રાજ્યમાં ખાસ વરસાદ વરસ્યો નથી.
શનિવારે અમદાવાદ હળવા વરસાદની સંભાવના
આવતીકાલ શનિવાર માટે અમદાવાદને બાદ કરતા હવામાન વિભાગે કોઈ શહેર કે જિલ્લા માટે વરસાદની મોટી ચેતવણી વ્યક્ત કરી નથી, પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે સાંજે, અથવા રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો – ગુજરાત વરસાદ આગાહી : વલસાડમાં થશે ભારે વરસાદ, અમદાવાદમાં શનિવારે મેઘ સવારી
23 જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી
રવિવારની વાત કરીએ તો, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાઓમાં એક બે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ, તો મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ એક બે સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી
30 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદનુ અનુમાન
સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે.