scorecardresearch
Premium

ગુજરાત લોકસભા ચૂંટણી 2024: ‘ઓન ધ નોટ, માય વોટ’, આ ચૂંટણીમાં મતદારોના મનના મુખ્ય મુદ્દા

Gujarat Lok Sabha Elections 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : ધ ઈન્ડિયન એક્સપ્રેસના ગ્રાઉન્ડ રિપોર્ટીંગમાં યુવા, મહિલાઓ, ખેડૂત, ગ્રામજનો મતદારોએ તેમના મનના મુદ્દા અને સમસ્યા જણાવી.

Gujarat Voters Problem minds
ગુજરાત લોકસભા ચૂંટણી 2024: મતદારો ની સમસ્યા, મુદ્દા અને મનની વાત (ફોટો – એક્સપ્રેસ)

ગોપીલ કટેશીયા, લીના મિશ્રા | Gujarat Lok Sabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માં સરકારી પરીક્ષાનું પેપર લીક, નોકરીઓ, પીવાનું પાણી, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, ક્ષત્રિય ગૌરવ – આ એવા કેટલાક મુદ્દા છે, જે આ ચૂંટણીની મોસમમાં ગુજરાતના મતદારોના મનમાં ફરી રહ્યા છે.

પીવાનું પાણી, શાળા, જમીન… ક્ષત્રિય આંદોલન નહી

કોલેજની વિદ્યાર્થીનીઓ સહિત મહિલાઓનું ગ્રુપ એક નળની ચારેબાજુ બેસી માટલાં અને પાણી માટેના વાસણ લઈ બેસે છે અને પાણી ભરી રહી છે. સ્થાનિક રિટાબા સિસોદિયા કહે છે કે, “પાણી અઠવાડિયામાં એક કે બે વાર આવે છે અને કોઈ તેને જોઈ જાય, અને અમને બધાને જાણ કરે એટલે અમે બધા અમારા વાસણો ભરવા આવીએ છીએ”.

જામનગરના કાનાલુસ ગામના સ્થાનિકો – જેમાં રાજપૂતોનું વર્ચસ્વ છે – કહે છે કે, તેઓએ રૂપાલા સામે કોઈ ક્ષત્રિય વિરોધ સાંભળ્યો નથી. તેમના ગામમાં હાઈસ્કૂલની ગેરહાજરી તેમના માટે ચૂંટણીનો મુદ્દો છે. રીટાબા કહે છે, “અમારી છોકરીઓએ શાળા છોડી દેવી પડે છે કારણ કે, અમે તેમને આઠમા ધોરણ પછી બીજા ગામમાં ભણવા મોકલી શકતા નથી.”

20 વર્ષીય જલ્પા વાઘેલા, જે દરરોજ રાજ્ય સરકાર દ્વારા 35 કિમી દૂર આવેલી કોલેજમાં કોમર્સનો અભ્યાસ કરવા માટે મફત બસમાં જાય છે, તે કહે છે કે તેણીએ હજુ નક્કી કર્યું નથી કે, જો તેણી મતદાન કરશે, તો તે કોને મત આપશે ? મંગળવારે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત તેના મતાધિકારનો ઉપયોગ કરશે.

જલપા કહે છે કે, “તમે આ ખુલ્લી ગટરોને જુઓ, અમારા ગામમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળવું એ મોટી સમસ્યા છે. અમારી ગ્રામ પંચાયત પાઈપલાઈન દ્વારા જે પાણી પૂરું પાડે છે તે એટલું ખારું છે કે, તેનો ઉપયોગ નહાવા માટે પણ કરી શકાતો નથી.” જલ્પા વધુમાં કહે છે કે, “સૌથી નજીકની સરકારી હાઈસ્કૂલ અમારા ગામથી લગભગ 20 કિમી દૂર છે અને નજીકના પડાણા ગામમાં એક ખાનગી હાઈસ્કૂલની ફી ગામલોકોને પોષાય તેમ નથી, લોકોની આવક એટલી વધારે નથી.

Gujarat Womens Voters Problem minds
જામનગરના કાનાલુસ ગામના સ્થાનિકો (ફોટો – એક્સપ્રેસ)

આ બાજુ સેંકડો કિલોમીટર દૂર, સાબરકાંઠાના બહેરિયા ગામમાં, પાણી એ ડિમ્પલ સોલંકી (21) માટે ચૂંટણીનો મુદ્દો છે. ખેડબ્રહ્માની એક ખાનગી નર્સિંગ કૉલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થિની ડિમ્પલે તાજેતરમાં જ તેના ગામમાં એક જાહેર સભામાં કોંગ્રેસના નેતાઓનું ફૂલ આપીને અને કપાળ પર તિલક લગાવીને સ્વાગત કર્યું હતું.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ડિમ્પલ કહે છે, “હું કોંગ્રેસને સમર્થન કરું છું. અમે અમારા ગામમાં પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ‘નલ સે જલ’ (સરકારી યોજના) હેઠળ પાઈપલાઈન અને નળ નાખવામાં આવ્યા છે, પરંતુ અમને તેમાંથી પાણી મળતું નથી. અમે અમારું પીવાનું પાણી અમે વિકસાવેલા ખાનગી બોરવેલમાંથી મેળવીએ છીએ.”

ખેડૂત સમસ્યા, મહુવા ડુંગળી ભાવ

ગયા વર્ષે, ડિસેમ્બરમાં, ભાવનગરના મહુવા શહેર – અને રાજ્યના અન્ય ભાગોમાં ખેડૂતોએ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. મહુવા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) ખાતે ડુંગળીના ભાવ ચાર દિવસમાં સરેરાશ રૂ. 462 પ્રતિ મણ (20 કિગ્રા) થી ઘટીને રૂ. 210 સુધી પહોંચી ગયા હતા. સરકારે વધતી કિંમતોને કાબૂમાં લેવા નિકાસ પર નિયંત્રણો લાદ્યા પછી 2020 માં સમાન ઘટાડો જોવા મળ્યો હતો. ચોક્કસ, આ એવા મુદ્દા છે, જે આ ચૂંટણીની મોસમમાં ખેડૂતોના મનમાં ઘૂમી રહ્યા છે.

મહુવાના ખરેડ ગામના 48 વર્ષીય ખેડૂત નાનજી શિયાલ કહે છે, “મણદીઠ રૂ. 400 એ યોગ્ય કિંમત હશે, પરંતુ જો આપણી ડુંગળીની નિકાસ કરવામાં આવે તો જ તે શક્ય થઈ શકે છે.” તેઓ કહે છે કે, “ડુંગળીના ભાવ ચાર વર્ષમાં એકવાર વધે છે અને જો સરકાર આવા સમયે હસ્તક્ષેપ કરે છે, તો ખેડૂતોને પાછલા વર્ષના નુકસાનને વસૂલવાની તક મળતી નથી,” ખેડૂત કહે છે, જેમણે ધોરણ 3 સુધી અભ્યાસ કર્યો છે.

મહુવા APMC ના ચેરમેન ઘનશ્યામ પટેલ કહે છે કે, કેન્દ્ર સરકારે ભાવની અસ્થિરતાને દૂર કરવા માટે લાંબા ગાળાનો ઉકેલ શોધવો પડશે. “જાન્યુઆરી 2020 માં પ્રતિ મણ રૂ. 2,100ની ટોચેથી, ગયા ઉનાળામાં ડુંગળીના ભાવ ઘટીને રૂ. 50 પ્રતિ મણ થઈ ગયા હતા. આ ઉનાળામાં, તેઓ 200 રૂપિયાની આસપાસ અવર-જવર કરી રહ્યાં છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, ડુંગળીની કિંમત કેટલી અસ્થિર રહે છે. આવા માર્કેટમાં જો સરકાર વિક્રેતાનું બજાર બનાવીને તેના કાર્યોમાં વિચારશીલ રહે તો ખેડૂતો પોતાની જાતને ટકાવી શકશે. ડુંગળીના ઊંચા ભાવના સમયમાં ડિહાઇડ્રેટેડ ડુંગળી એ એક સરળ વિકલ્પ છે. પરંતુ તમામ લોકોને હંમેશા તાજી ડુંગળી આપવાની નીતિ, ખેડૂતોના ખર્ચે પણ, લાંબા ગાળે તેની કિંમત ચૂકવશે.” સહકારી નેતા કહે છે.

તરેડી ગામના 23 વર્ષીય ખેડૂત મહેશ ભુકન પટેલ સાથે સહમત છે. “ફક્ત ડુંગળીના ભાવ જ નહીં, પણ ડુંગળીનું ઉત્પાદન પણ અસ્થિર રહે છે, ખાસ કરીને ખરીફ સિઝનમાં અને ઉદાર નિકાસ નીતિએ ખેડૂતોને મદદ કરી છે.” તે કહે છે, જ્યારે તે મહુવામાં ટ્રેક્ટરના ટ્રેલરમાંથી ડુંગળીની થેલીઓ ઉતારે છે ત્યારે તેમના કપાળે પરસેવો છૂટી જાય છે. તે ખૂબ જ ફાયદાકારક રહેશે.”

Gujarat Farmers Voters Problem minds
માર્કેટ યાર્ડમાં ડુંગળી ઉતારતા ખેડૂત (ફોટો – એક્સપ્રેસ)

ગયા મહિને તેમની ડુંગળી 225 રૂપિયા પ્રતિ મણ વેચાઈ હતી. “આ કિંમત ભાગ્યે જ ખેતીના ખર્ચને આવરી શકે છે.” ખેડૂત કહે છે, જેણે તેની ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા પછી શાળા છોડી દીધી હતી. “હું એક સારા ઉમેદવારને મત આપું છું અને મોટાભાગે ભાજપ એક સારો ઉમેદવાર પૂરો પાડે છે,” આ બાજુ, 31 વર્ષીય કરણ સંઘાત, જેઓ મહુવાના બિલડી ગામમાં કોઈ ઔપચારિક શિક્ષણ નથી લીધુ, તેઓ કહે છે કે તે ડુંગળી બજારમાં લઈ ફરી શકતા નથી. “જ્યારે હું મગફળીનું વાવેતર કરીશ, ત્યારે ભાવ સારા રહે છે. પરંતુ ડુંગળીની લણણી કરવાનો અને તેને બજારમાં પહોંચાડવાનો સમય આવે ત્યાં સુધીમાં ભાવ ઘટી જાય છે. ખેડૂતના દૃષ્ટિકોણથી આ વાજબી નથી.” તેમના ખેતરમાં ડુંગળી લણણી કરતા મજૂરોની દેખરેખ રાખતા સંકટ કહે છે, “આ વખતે, હું પરિવર્તન માટે મત આપવાનો છું અને બીજાને તક આપવાનો છું.”

અચાનક આવેલા પૂરની ભયાનકતા અને વળતર

સપ્ટેમ્બર 2023 માં, નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે આવેલા પૂરથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના છાપરા ગામમાં લગભગ 25 ઘરો નાશ પામ્યા હતા, જે સૌથી વધુ અસરગ્રસ્ત હતા.

મિશ્રિત સમુદાયના આ ગામમાં આદિવાસી ભાવના વસાવા કહે છે કે, તેમનું ઘર ઈંટોનો ઢગલો બની ગયું હતુ. તેણી તેના મોબાઇલ ફોનમાં સાચવેલ એક ચિત્ર બતાવે છે. પૂર પછી તેની 16 વર્ષની પુત્રીએ શાળા છોડી દેવી પડી. “જ્યારે પાણી આવ્યું, ત્યારે કોઈએ કંઈ કર્યું નહીં. અમે વળતર માટે અરજી કરી અને અડધા (અસરગ્રસ્ત) લોકોને 7,000 રૂપિયા મળ્યા. ભાવનાબેન કહે છે કે, હજુ અમને કંઈ વળતર મળ્યું નથી.

ભૂરીબેન કહે છે કે, “તમે 7,000 રૂપિયામાં દિવાલ પણ બનાવી શકતા નથી,” જેમનું રસોડાનો ભાગ પાણીમાં વહી ગયો. “મનસુખ (વસાવા)ને કોણે જોયો છે?” ભૂરીબેનના પતિ સુરેશ વસાવા, જેમને રૂ. 7,000 નું વળતર મળ્યું હતું, તેઓ કહે છે કે ભાજપના ઉમેદવાર ઓબીસી, આદિવાસીઓ અને અન્યોની મિશ્રિત વસ્તી ધરાવતા આ ગામમાં આવ્યા નથી, પરંતુ તેઓ તેમના ગામના સરપંચને માન આપે છે, જેઓ આ ગામના છે. “અમારા સરપંચે અમારો સામાન બચાવવામાં મદદ કરી,” તેઓ એક સાથે કહે છે.

Gujarat Voters Problem minds - 1
પૂરમાં ઘરને નુકશાન, વળતર માટે વલખા (ફોટો – એક્સપ્રેસ)

નોકરીની શોધ અને પેપર લીક, રોજગારી મુદ્દો

બપોરનો સમય છે અને બે વિદ્યાર્થીઓ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં બસની રાહ જોઈ રહ્યા છે. રાકેશ વસાણી (25) – બે વિદ્યાર્થીઓમાંથી એક – તેણે તેના શિક્ષણ અને અન્ય ખર્ચાઓને પૂરા કરવા માટે નોકરી પણ કરે છે. તે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 6 – બે શિફ્ટમાં હીરાને પોલિશ કરવા જાય છે અને દર મહિને 18,000 રૂપિયા સુધીની કમાણી કરે છે. રાજકોટના જસદણ તાલુકાના લીલાપુર ગામના વતની, તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ઓફ આર્ટસ કરી રહ્યા છે. સરકારી નોકરીની શોધમાં રાકેશે અત્યાર સુધીમાં પાંચ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે, પરંતુ પેપર લીક થવાને કારણે ચાર પરીક્ષા રદ કરવામાં આવી છે. “હું પોલીસ દળમાં જોડાવા માંગુ છું,” રાકેશે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, પરંતુ તે નાખુશ છે કે, સરકાર “જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે જ ખાલી જગ્યાઓની જાહેરાત કરે છે”.

રાકેશ કહે છે, “ચૂંટણી પછી અમારી પાસે કોઈ આવતું નથી.” તેના માતા-પિતા લીલાપુરમાં મજદૂર છે. તેમને પાંચ બાળકો છે અને રાકેશનો ભાઈ પણ હીરા પોલીશ કરે છે. તેઓ સત્તાધારી ભાજપ અને હરીફ કોંગ્રેસ બંનેને “અપ્રભાવી” માને છે.

તદુપરાંત, તેઓ ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની કથિત ક્ષત્રિય વિરોધી ટિપ્પણીઓને લઈને થયેલા તાજેતરના વિવાદ સાથે સંબંધિત નથી. “તેઓએ (સમુદાયના વિરોધીઓએ) તેને ભૂલી જવું જોઈએ અને આગળ વધવું જોઈએ,” તે કહે છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણીઓ વધી હતી અને તેમની ટિપ્પણીઓ પર વિરોધ પણ વધ્યો છે.

રાકેશની બાજુમાં ઊભેલો અન્ય એક વિદ્યાર્થી, કરણ રાઠોડ, જે જસદણનો છે, સરકારી નોકરીની શોધમાં છે, તેણે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે, કેટલીકવાર મેરિટ લિસ્ટમાં બે માર્કસ માટે ચૂકી જાય છે. તેના પિતા ભારતીય ટપાલ સેવામાં કામ કરે છે.

Gujarat Youth Voters Problem minds
યુવાનો માટે મુખ્ય મુદ્દો રોજગારી (ફોટો – એક્સપ્રેસ)

રાજકોટમાં સરેરાશ યુવા મતદારનું પ્રતિનિધિત્વ કરતા કરણ અને રાકેશ બંને માટે નોકરીઓ મુખ્ય ચૂંટણીનો મુદ્દો છે. તેમનું કહેવું છે કે, તેમનો મત સામાન્ય રીતે ઉમેદવારને જાય છે પાર્ટીને નહીં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 23 વર્ષીય એમ.ફાર્મની વિદ્યાર્થીની સપના મીના, “બેરોજગારી” ને ચૂંટણીના મુદ્દાઓની યાદીમાં ટોચ પર રાખે છે અને કહે છે, “વારંવાર પેપર લીક થવાથી ભારે માનસિક વેદના થાય છે.” રેલ્વે કર્મચારીની પુત્રી, તે સરકાર માટે કામ કરવાની ઈચ્છા ધરાવે છે કારણ કે, તે તેણીના “વર્ક અને લાઈફ બેલેન્સ” જાળવવામાં મદદ કરશે. “પરીક્ષા દેતે હૈં, ઔર ઘર પહોંચને પર પતા ચલતા કી પેપર લીક હો ગયા (અમે પરીક્ષા આપીએ છીએ અને ઘરે પહોંચીએ છીએ અને પેપર લીક થઈ ગયાના સમાચાર મળે છે) જેમાથી માનસિક પીડાનો અહેસાસ થાય છે.” મીના કહે છે, જેમના મૂળ રાજસ્થાનમાં છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) સાથે પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરતી બહુરાષ્ટ્રીય કંપનીના સિવિલ એન્જિનિયર હિરેન મકવાણા, 30, માને છે કે, પેપર લીક કોઈ નવી સમસ્યા નથી. “સંભવ છે કે લોકોને લીક વિશે અગાઉ ખબર ન હોય. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે.”

જૂનાગઢના વતની એવા એન્જિનિયરનું પણ કહેવું છે કે, સરકારી નોકરી માટે કોઈએ સતત રાહ જોવાની જરૂર નથી. “જો કોઈ પ્રતિભાશાળી હોય, તો ખાનગી નોકરીઓ પણ એટલી જ સારી ચૂકવણી કરે છે.” રાજકારણ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સમાનતાઓ દોરતા તેઓ કહે છે, “જે લોકો માટે કામ કરે છે તેઓ ચૂંટાય છે. પ્રદર્શન જ મહત્ત્વનું છે.”

તો છોટા ઉદેપુરના ખજુરિયા ગામના 28 વર્ષીય સુનિલકુમાર રાઠવા કહે છે કે, આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકોના અભાવને કારણે સ્થળાંતર થાય છે, આ બાબતે તેઓ માને છે કે, આવા વિસ્તારોમાં વધુ ઉદ્યોગો સ્થાપીને આ સમસ્યા દૂર કરી શકાય છે.

સુનીલકુમાર કહે છે કે, “નોકરી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે,” જેમણે સેન્ટર ઓફ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન (CCE)માંથી કોર્સ પૂર્ણ કર્યો છે. સરકારી નોકરીઓ પહોંચની બહાર છે અને ખાનગી નોકરી મેળવવાનો અર્થ છે સુરત, ભરૂચ અથવા સૌરાષ્ટ્ર જેવા અન્ય શહેરોમાં જવું… સરકારે આ ક્ષેત્રમાં તકો વધારવા માટે આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવાની જરૂર છે. નર્મદા જિલ્લામાં તેઓ (સરકારે) પ્રવાસન વધારવાનું આયોજન કર્યું છે, પરંતુ છોટા ઉદેપુરમાં ખાણો સિવાય બીજો રોજગારીનો રસ્તો નથી.

સુનિલ સમગ્ર તાલુકામાં ફેલાયેલી ડોલોમાઈટ ખાણોનો ઉલ્લેખ કરી રહ્યો છે. પરંતુ વનાર ગામના ખાણ કામદાર વેલિયા થાનક માટે, ખાણકામ એ લોકો માટે એક ઉદ્યોગ છે જેમની પાસે અન્ય કોઈ કૌશલ્ય નથી.

ખાણની ધૂળથી રંગાયેલા, તે રકાબીમાંથી ચાની ચૂસકી લે છે અને કહે છે, “અમે આ ગામમાં મોટા થયા છીએ અને અમારા પિતા પણ ખાણોમાં કામ કરતા હતા. અમે અમારા બાળપણમાં ઢોર ચરતા હતા અને અમારા પિતા પછી કુદરતી રીતે ખાણકામ કર્યું હતું. જો અમારી પાસે અન્ય તકો હોત તો શું ખાણોમાં કામ કરવું અમારી પ્રાથમિકતા ન હોત. શા માટે કોઈ સ્વેચ્છાએ પોતાની જાતને સિલિકોસિસ માટે જોખમમાં જશે? પરંતુ અમે અભણ છીએ અને અન્ય શહેરોમાં નોકરીની શોધમાં જવાનો અર્થ વધારાનો ખર્ચ થશે. તેથી અમે અહીં જ ગામમાં રહેવાનું અને ખાણોમાં અને અમારા ખેતરોમાં કામ કરવાનું પસંદ કર્યું. મારા બાળકો ગામડામાં શાળાએ જાય છે, પરંતુ મને ખાતરી નથી કે, તેઓને પછીના જીવનમાં કેવા પ્રકારની તકો મળશે કારણ કે, છેલ્લા પાંચ દાયકામાં અમારા ગામ માટે કંઈ બદલાયું નથી – ત્યાં કોઈ રસ્તા નથી, પાણી નથી, ના નજીકમાં કોઈ હોસ્પિટલ…”

હિટ એન્ડ રન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવાડી ગામમાં, 23 વર્ષીય ટ્રક ડ્રાઈવર કિશોર આલ, જેઓ લોકસભાની ચૂંટણી માટે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે, તે કહે છે કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપે છે. “તેમણે ઘણો વિકાસ કર્યો છે. અમરેલીમાં રસ્તાઓ સારા થયા છે”.

કિશોર આલે 10મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી, પછી ડ્રાઈવરનો વ્યવસાય અપનાવ્યો, તેઓ કહે છે કે, “પરંતુ (સરકારનો) હિટ એન્ડ રન કેસમાં ડ્રાઇવરોને 10 વર્ષની જેલ આપવાની દરખાસ્ત ખરાબ હતી.” કિશોર કહે છે કે, “મેં ગુજરાતમાં ક્યારેય બિન-ભાજપ સરકાર જોઈ નથી અને વડીલો અમને કહે છે કે, કોંગ્રેસ ગઈ તે સારા માટે છે. જો કે, સારૂ ભણેલા ઉમેદવારો હોય તે સારું છે,” તેમણે વધુમાં કહ્યું, આ વર્ષની શરૂઆતમાં, પરિવહન સંસ્થાઓના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ કેન્દ્ર સરકાર દ્વારા સખત સજા સાથેનો નવો હિટ-એન્ડ-રન કાયદા પર રોક લગાવી હતી.

‘ક્ષત્રિય સમાજ સૌથી પ્રથમ’

સુરતના મોતી નરોલી ગામમાં, એક વેપારી સિદ્ધરાજસિંહ વાસી, તેમના પિતા રણજીતસિંહ અને કાકા નટવરસિંહ કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા સમુદાય વિરુદ્ધની ટિપ્પણી બદલ નારાજ છે અને કહે છે કે, તેઓ “ભાજપ વિરુદ્ધ જ મત આપશે”, પરંતુ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માન આપે છે, તે હીરો છે”.

આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024: મંગળવારે મતાધિકારનો અવસર, વહીવટીતંત્ર સજ્જ, જુઓ ગાઈડલાઈન

સિદ્ધરાજ સિંહ કહે છે કે, “અત્યારે, તો રાષ્ટ્રીય ચૂંટણી છે પરંતુ જ્યારે ગામડાની, તાલુકાની ચૂંટણીઓ યોજાશે, ત્યારે આ મુદ્દાની અસર થશે. પંચાયતની ચૂંટણીઓ સુધી પણ ગામડાના લોકો આને ભૂલશે નહીં.” આ વખતે કોઈ રાજપૂતને ટિકિટ મળી નથી. રણજીત સિંહ કહે છે કે, “અમે જાણીએ છીએ કે, વસ્તુઓના ભાવ કેવી રીતે વધ્યા, અમને ખબર છે કે કેટલું કામ થયું, અને અમે એ પણ જાણીએ છીએ કે અમે કેટલા સુરક્ષિત છીએ, પરંતુ પહેલા અમારો ક્ષત્રિય સમુદાય અને પછી ભાજપ.” તેમણે વધુ ઉમેરતા કહ્યું કે, જો ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહ હોત તો લોકશાહી ન હોત, વિલય પર હસ્તાક્ષર ન થયા હોત.”

Web Title: Gujarat lok sabha elections 2024 voters problems ground reporting km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×