ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ચૂનાના પત્થરના ખાણ સંચાલકની તેની ઓફિસની અંદર ઘુસી એક કર્મચારીએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી, પોલીસે જણાવ્યું હતું કે, માલિકે કારકુન સાથે કથિત રીતે “દુર્વવ્યવહાર” કર્યો હતો. જેથી તેણે આવેશમાં આવી માલિકની હત્યા કરી દીધી હતી.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ઉના તાલુકાના ઓલવણ ગામમાં લાઈમસ્ટોન ખાણ સંચાલક ભૂપત રામની તેના ક્લાર્ક ભીમા તાપડિયા ઉર્ફે ભીમા ગઢવીએ રાત્રે 9 થી 9.30 વાગ્યાની વચ્ચે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના ભૂપત રામની ઓફિસમાં, જે તેના ઘરની અંદર કૃષિ વિસ્તારમાં બની હતી. તેમણે જણાવ્યું કે ભૂપત રામના કૃષિ ક્ષેત્ર પાસે જ તેમની ચૂનાના પથ્થરની ખાણ આવેલી છે.
“ભૂપત રામ ચૂનાના પથ્થરની ખાણમાં ઓપરેટિંગ પાર્ટનર હતો અને તેણે તાપડિયાને તેની ઓફિસમાં કામ કરવા માટે કારકુન તરીકે નોકરી પર રાખ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રામ તાપડિયા સાથે ઓફિસમાં ગેરવર્તન કરતો હતો.
ગીર સોમનાથના પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાએ ધ ઈન્ડિયનને જણાવ્યું હતું કે, “ગુનાહિત લાગણી અનુભવતા, તાપડિયા, જેની સામે પહેલાથી જ હત્યા સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા, જ્યારે ખાણ સંચાલક તેની ઓફિસમાં આવ્યો ત્યારે રામની ગોળી મારીને હત્યા કરી નાખી.”
ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, શનિવારે સાંજે, રામ તેની પત્ની જશુ (31) અને બે બાળકો વીર (8) અને હિરલ (7) ને નજીકના કૃષિ ફાર્મમાં તેના પિતરાઈ ભાઈ પીઠા રામના ઘરે જમવા માટે લઈ ગયા હતા. ત્યાંથી રામ પરવારને એમ કહીને ગયા હતા કે, તેને ખાણના કામકાજને લગતું અમુક કામ પૂરું કરવાનું છે. તો તેઓ રાત્રિભોજનમાં જોડાયા ન હતા. પત્ની જશુએ તેના પતિ રામને બોલાવવા ફોન કર્યો હતો. જવાબમાં, રામે તેની પત્નીને કહ્યું કે, ભીમ તાપડિયા ખાણ સંબંધિત હિસાબ પતાવટ કરવા આવ્યો છે, જેથી તેમને જાતે ઘરે પાછા ફરવા કહ્યું હતુ.
પત્ની જશુએ નોંધાવેલી ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆરમાં તેણીએ જણાવ્યું હતું કે, જ્યારે તે તેમના ઘરની નજીક હતી ત્યારે તેમને ફટાકડા ફૂટ્યા હોય તેવો અવાજ સાંભળ્યો હતો અને તાપડિયાને હાથમાં બંદૂક જેવું હથિયાર લઈને ભાગતો પણ જોયો હતો. તેણીએ કહ્યું, “જ્યારે હું ઘરની અંદર દોડી, ત્યારે મેં મારા પતિને જમીન પર પડેલા જોયા અને જ્યારે મેં તેમને પૂછ્યું કે શું થયું છે, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.”
પોલીસે જણાવ્યું કે, રામને ઉનાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
જશુની ફરિયાદના આધારે ઉના પોલીસે તાપડિયા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. રવિવારે તાપડિયાને ગીર સોમનાથ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉના શહેરની હદમાં આવેલા એક ગામમાંથી ઝડપી લીધો હતો.
જાડેજાએ જણાવ્યું હતું કે,“રામનો મોબાઈલ તપાસ કરતા અમે જોયું કે, તેમણે તાપડિયાને ફોન કર્યો હતો. અમે ઉનામાં તાપડિયાના ઘરે પોલીસ ટીમ મોકલી હતી પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. આનાથી અમારી શંકાની પુષ્ટિ થઈ. આખરે, તેની નજીકના એક ગામમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો અને બાદમાં ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી.”
જાડેજાએ જણાવ્યું હતું કે, તાપડિયા સામે આ પહેલા પણ 10 જેટલા કેસ નોંધાયેલા છે. “જેમાં પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળના કેસોનો પણ સમાવેશ થાય છે. તેણે 1999 માં ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ફૂલકા ગામમાં હત્યાના કેસમાં જેલમાં સમય પણ વિતાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તાપડિયા ખૂબ જ આક્રમક સ્વભાવનો વ્યક્તિ છે અને તેથી તે કઈ પણ સહન કરી શકતો નથી. જ્યારે તે રામના ત્યાં કારકુન તરીકે કામ કરતો હતો ત્યારે રામે તેની સાથે ગેરવર્તન કર્યું હતું.
જાડેજાએ જણાવ્યું હતું કે, તાપડિયાને કસ્ટડીમાં લીધા બાદ પોલીસને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી હતી. “દેશી બનાવટની પિસ્તોલ એક લાઇસન્સ વગરની બંદૂક છે, જે લગભગ દોઢ વર્ષ પહેલા જૂનાગઢના એક વ્યક્તિએ મધ્યપ્રદેશથી ખરીદી હતી. આ શખ્સે હથિયાર તાપડિયાને સલામત રાખવા માટે આપ્યું હતું.
એસપીએ જણાવ્યું હતું કે, જૂનાગઢના તે વ્યક્તિએ પાછળથી તે તાપડિયા પાસે પાછું માંગ્યું હતું પરંતુ તાપડિયાએ તે પરત કર્યું ન હતું અને તેનો ઉપયોગ રામની હત્યા કરવા માટે કર્યો હતો, અમે જૂનાગઢના વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ.”