Gujarat Education Board : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં ગણિત વિષયને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સાથે જ ધોરણ 11મા પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. નવા નિર્ણય પ્રમાણે ધોરણ 10 માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે.
જોકે જ્યારે ધોરણ 10 માં બેઝીક ગણિત હશે તો વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A માટે તેની ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે. શૈક્ષણિક સત્ર 2024-25 થી આનો લાભ મળશે.
હાલમાં શું છે જોગવાઇ
હાલમાં જોગવાઇની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થી ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. જે વિદ્યાર્થી ધોરણ 10 માં બેઝિક ગણિત રાખશે તે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ફક્ત B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
આ પણ વાંચો – કોલેજ-યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વર્ષમાં બે વાર લઈ શકાશે એડમિશન
ધોરણ 10 માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઇ મહિનાની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. હવે આ બન્ને જોગવાઇ રદ કરવામાં આવી છે.
બે પ્રકારના વિકલ્પો આપવાની જોગવાઇ હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધોરણ 10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધિન ઠરાવેલુ છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે કેટલી શરતોમાં સુધારો કર્યો હતો. જેમાં ધોરણ-10ની જાહેર પરીક્ષાઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરી હતી.