પરિમલ ડાભી : શનિવારે એક નાટ્યાત્મક જાહેરાત કરતા ગુજરાત ભાજપે જાહેર કર્યું હતું કે તેના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમથી શાસક પક્ષના હોદ્દેદારો ચોંકી ગયા હતા, કારણ કે 43 વર્ષીય વાઘેલાને ભાજપના ત્રણ પ્રદેશ મહામંત્રીઓમાં સૌથી વધુ પ્રભાવશાળી ગણવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ તેઓ પક્ષના પ્રમુખ સી આર પાટીલના નજીકના વિશ્વાસુ તરીકે પણ જાણીતા હતા.
ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વ્યક્તિગત કારણોસર સ્વેચ્છાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. પરંતુ પ્રદીપસિંહ વાઘેલાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમણે 29 જુલાઈએ રાજીનામું આપ્યું હતું કારણ કે તેમને આવું કરવાનું કહેવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના બકરાણા ગામના વતની એવા પ્રદીપસિંહ વાઘેલા બે દાયકા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા ત્યારથી પ્રદેશ ભાજપમાં સતત આગળ વધ્યા છે.
પ્રદીપસિંહ વાઘેલા 2003માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમને પ્રથમ મોટી નિમણૂક મળી હતી. બાદમાં તેમને ભાજપની યુવા પાંખ, ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ)ના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ આર સી ફળદુ હતા. પ્રદીપસિંહ વાઘેલાએ સતત બે ટર્મ સુધી રાજ્યના બીજેવાયએમ ચીફનું પદ સંભાળ્યું હતું.
ત્યારબાદ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની વરણી કરવામાં આવી ત્યારે પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશ પક્ષ એકમના સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ વાઘેલાને બાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – પ્રદિપસિંહ વાઘેલા બાદ સુનિલ સોલંકીએ ભાજપ વડોદરાના મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું
જુલાઈ 2020માં સીઆર પાટીલની ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ પ્રદીપસિંહ વાઘેલાને સૌથી મોટું પદ મળ્યું હતું. ભાજપ સંગઠનમાં પ્રમુખ પદ બાદ સૌથી મહત્વનું પદ મહામંત્રીનું છે. પાટીલે રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવ્યા હતા. જેમાંથી વાઘેલા સૌથી મજબૂત વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા અને પક્ષની બાબતોમાં તેમનો દબદબો હતો.
વાઘેલા દક્ષિણ ઝોન તેમજ અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત પ્રદેશ પક્ષના મુખ્યાલય શ્રી કમલમના પ્રભારી પણ હતા. તેઓ પોતાના ગૃહ મેદાનની નજીક સાણંદ ક્ષેત્રના રાજકારણમાં મોટા ખેલાડી માનવામાં આવતા હતા. શાસક પક્ષના સંગઠનમાં તેમની ચાવીરૂપ સ્થિતિને કારણે રાજ્ય વહીવટીતંત્રની કામગીરી પર પણ તેમનો નોંધપાત્ર પ્રભાવ હતો. એમ સૂત્રોએ જણાવ્યું હતું
જ્યારે ભાજપે સત્તાવાર રીતે દાવો કર્યો છે કે પ્રદીપસિંહ વાઘેલા સામે કોઈ ફરિયાદ નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનું રાજીનામું રાજ્ય પક્ષ એકમમાં આંતરિક વિખવાદનું પરિણામ છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલા એવા અગ્રણી નેતાઓમાં સામેલ હતા.
પ્રદીપસિંહ વાઘેલા સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો ધરાવતી એક અનામી પત્રિકાના સર્ક્યુલેશન અંગે પક્ષના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે, પરંતુ તેની વિગતો હજુ સુધી અસ્પષ્ટ અને અસમર્થિત રહી છે.
ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે ખૂબ જ નાની ઉંમરે પ્રદીપસિંહ વાઘેલા પક્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા છે. તેમનામાં (વાઘેલા) નેતૃત્વના ગુણો છે અને રાજકારણમાં આગળ વધવાની સંભાવના છે. તેઓ 40ના દાયકાની શરૂઆતમાં છે અને આવી ઉંમરે રાજ્ય પક્ષના મહામંત્રી બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની પાછલી ચારેય પોસ્ટિંગ્સ નોંધપાત્ર છે. તેમને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેનો પણ સ્પષ્ટ અર્થ એ છે કે તેમને પક્ષના બંને ટોચના નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો વિશ્વાસ મળ્યો હતો.
ભાજપના નેતાએ કહ્યું કે પાર્ટીએ પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવાનું કહ્યું તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે મને સ્પષ્ટ નથી. પરંતુ એવું લાગે છે કે કોઈએ વાઘેલાના પક્ષમાં થયેલા વિકાસને સંપૂર્ણપણે નાપસંદ કર્યો છે અને તે પછી જે અંદરોઅંદરની લડાઈ થઈ હતી તે આ રાજીનામામાં પરિણમી છે.
પાર્ટીના અન્ય એક નેતા, જેઓ અમદાવાદના ધારાસભ્ય પણ છે, તેમણે કહ્યું કે જે થઈ રહ્યું છે તે ખૂબ જ અસ્પષ્ટ છે, પરંતુ તે ખૂબ જ ગંભીર છે. જો પાર્ટીએ તેમને (વાઘેલાને) રાજીનામું આપવાનું કહ્યું છે તો કંઈક ખૂબ જ ગંભીર હોવું જોઈએ.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો