Gujarat Adani CNG Pump Dealer : ગુજરાતમાં અદાણી CNG ડીલર ઓન એન્ડ ડીલર ઓપરેટેડ (DODO) પંપના સંચાલકોએ સોમવારે અદાણી ટોટલ ગેસ દ્વારા વેચવામાં આવતા CNGના ભાવમાં ઘટાડો કરવાની માંગણી સાથે 26 નવેમ્બરથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
ડીલરોએ તેમના કમિશનમાં વધારો અને સ્ટેમ્પ ડ્યુટી અને અદાણી ટોટલ ગેસ પાસેથી નોંધણીના ખર્ચની વસૂલાતની પણ માંગ કરી છે. “અદાણી ટોટલ ગેસ ઇચ્છે છે કે, અમારા ડીલરો અમારા પંપની નજીકમાં આવેલી અન્ય કંપનીઓની કિંમતો કરતાં CNG ની યુનિટ વેચાણ કિંમત વધુ રાખીને ટર્નઓવરમાં વધારો કરે. એસોસિએશને કંપનીને વેચાણ કિંમત ઘટાડવા અને તેને અન્ય કંપનીઓની સમકક્ષ લાવવા જણાવ્યું છે.
શું છે માંગ?
CNG DODO પમ્પ્સ એસોસિએશનના પ્રમુખ નરેશ દેસાઈએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, અદાણી એક કિલોગ્રામ ગેસ 77.47 રૂપિયામાં વેચે છે, જ્યારે રાજ્ય સરકારની કંપની ગુજરાત ગેસ તેને 74.13 રૂપિયામાં વેચે છે. અમારા પંપમાં વેચાતા ગેસ કરતાં આ લગભગ રૂ. 3.2 સસ્તું છે. શા માટે કોઈ અમારા ગેસ ફિલિંગ સ્ટેશન પર આવશે? વારંવાર વિનંતી કરવા છતાં, કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.”
કેમ ભૂખ હડતાળની આપી ચીમકી
દેસાઈએ ઉમેર્યું હતુ કે, “અમે કંપનીને સીએનજી સ્ટેશનોના ચાલતા અને જાળવણી ખર્ચને પહોંચી વળવા ડીલરોના ટ્રેડ માર્જિનમાં 50 પૈસા પ્રતિ કિલોગ્રામ સીએનજી વધારવા વિનંતી કરી હતી. હાલમાં, અદાણી અમને પ્રતિ કિલોગ્રામ સીએનજી રૂ. 2.3 આપે છે, જ્યારે ગુજરાત ગેસ પ્રતિ કિલોગ્રામ રૂ. 4.13 આપે છે. કંપની દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતાં, અમે 23 નવેમ્બરે વૈષ્ણોદેવી સર્કલ પાસે ભૂખ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. જો કંપની અમારી માંગણીઓને અવગણવાનું ચાલુ રાખશે, તો અમે 26 નવેમ્બરથી અમારા પંપ બંધ કરી દઈશું.”
કયા જિલ્લાના ડિલરો હડતાળમાં જોડાઈ શકે છે
અમદાવાદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં અદાણીના બેનર હેઠળના 26 DODO CNG સ્ટેશનો હડતાળમાં જોડાય તેવી અપેક્ષા છે. અદાણી જૂથે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
અદાણી ટોટલ ગેસ ગુજરાતમાં 15 કંપની ઓન ડીલર ઓપરેટેડ (CODO) સ્ટેશનો, 105 સહ-સ્થિત સ્ટેશનો (અગ્રણી OMC જેમ કે IOCL, BPCL અને HPCL સાથે સંયુક્ત સાહસો દ્વારા સ્થાપિત) અને 26 DODO CNG સ્ટેશન સહિત 146 CNG સ્ટેશનનું સંચાલન કરે છે.
દેસાઈએ જણાવ્યું હતું કે, DODO CNG સ્ટેશનોની માંગની સરખામણી સહ-સ્થિત સ્ટેશનોની સાથે કરી શકાતી નથી કારણ કે, ડીલરોએ DODO સ્ટેશનોમાં OMC દ્વારા સંચાલિત કરતાં વધુ રોકાણ કર્યું છે, જ્યાં અદાણી ટોટલ ગેસે હાલના પેટ્રોલ પર ગેસ-ડિસ્પેન્સિંગ યુનિટ સ્થાપ્યું છે.