scorecardresearch
Premium

ગુજરાતમાં 75મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ, શું આકર્ષણનું કેન્દ્ર રહ્યું?

Gujarat 75th Republic Day celebrations : ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી, આ પ્રસંગે સુરક્ષા દળો દ્વારા પરેડ, ગુજરાત પોલીસ બાઈક સ્ટંટ, સહિત વિવધ સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહ્યા.

Gujarat 75th Republic Day celebrations
ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં

ગુજરાતમાં જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. આ સિવાય પોલીસ જવાનો દ્વારા બાઈક સ્ટટં, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુરક્ષા ફોર્સની બટાલીયનો દ્વારા પરેડ મુખ્ય આકર્ષણનું કેન્દર રહ્યું હતુ. આ કાર્યક્રમમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહિત મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત અનેક માહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પોલીસ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડ આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં પરેડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પોલીસ દ્વારા દિલધડક બાઈક સ્ટંટ, તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા સહિતના વિવિધ પરફોર્મેન્સના કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેને જોઈ લોકો મંત્ર મુગ્ધ રહી ગયા હતા.

ગુજરાત રાજ્યકક્ષા પ્રજાસત્તાક દિવસની ઉજવણી – સુરક્ષાદળોની ટીમો જોડાઈ

તમને જણાવી દઈએ કે, જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વ પર 25 જેટલી સુરક્ષા દળના જવાનોની ટીમો જોડાઈ હતી. જેમાં કોસ્ટગાર્ડ, BSF,ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ, ગુજરાત પોલીસ સહિત વિવિધ જિલ્લા પોલીસની ટીમો જોડાઈ હતી. આ સિવાય ગુજરાતની મહિલા પોલીસે દિલધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિના દર્શન કરાવ્યા હતા, તો હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન બાદ પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

Gujarat 75th Republic Day celebrations
ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શું કહ્યું?

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમયે રાજ્યપાલે સૌને ૭૫મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે આ એટહોમ કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશ અત્યારે ઉન્નતિના માર્ગે અગ્રેસર બની રહ્યો છે. રામ મંદિરની સ્થાપના સાથે દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણનો સંકલ્પ પણ સાકાર થયો છે.

રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ એ પાવન અને ઐતિહાસિક નગર છે. આ નગર ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના પૌત્ર અશોકનું રાજ્યનો ભાગ રહ્યું હતું. હજારો વર્ષ સુધી પ્રતાપી રાજાઓના નેતૃત્વમાં આગળ વધતા આ પરંપરા મુગલ શાસન અને અંગ્રેજ શાસન સુધી ફેલાયેલી છે. ગુલામીના કાળખંડમાંથી બહાર લાવવા માટે અને આપણને સ્વતંત્રતા અને મુક્તિ અપાવવા માટે જે ક્રાંતિકારીઓએ પોતાના જીવ અર્પણ કર્યા છે, તેમને યાદ કરવાનો આ અવસર છે. આ ક્રાંતિકારીઓએ પોતાની સુખ સાહ્યબી ત્યાગીને દેશની ગરિમા વધારવા માટે કંટકો ભર્યો મુશ્કેલ માર્ગ પસંદ કર્યો હતો. જેમણે ફાંસીના ફંદાને ચૂમ્યો તેવા ક્રાંતિકારીઓને પ્રણામ કરવાનો અવસર છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે ચારેય દિશામાં સર્વાંગી વિકાસ કરી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ છેલ્લા ૧૦ વર્ષથી આંતરમાળખાકીય વિકાસ, શિક્ષણ, ઉદ્યોગમાં અપ્રતિમ વિકાસ સાધી રહ્યો છે. એક સમય એવો હતો કે, જ્યારે આર્મીના ટ્રક આયાત કરવા પડતા હતા, જ્યારે આજે દેશમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર, કાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તે દેશની ગૌરવસિદ્ધિ છે. 

આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. થયા છે. ગુજરાત સેમી કન્ડક્ટર ક્ષેત્રે એમ.ઓ.યુ. કરીને નવીન ક્ષેત્રે ખેડાણ કરી રહ્યું છે. ગુજરાતમાં એટ હોમ સમારોહ પ્રતિ વર્ષ જુદા જુદા જિલ્લામાં કરવાની અનોખી પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાપિત કરી હતી. જ્યારે દેશના અન્ય ભાગોમાં આજે પણ માત્ર રાજભવનમાં જ તેની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ગુજરાતે એટ હોમની કાર્યક્રમની ઉજવણી માટે પણ દેશના અન્ય રાજ્યોને રાહ ચીંધ્યો છે.

રાજ્યપાલ જણાવ્યું હતું કે, ભગવાનશ્રી રામ આપણા સૌના પૂર્વજ છે, તેમના જીવનમૂલ્યો આપણા ઘરોમાં અપનાવાય તો અહીં જ સ્વર્ગ બનશે અને સુખ શાંતિની સ્થાપના થશે. આ ભારતીય જીવનદર્શન છે. આજનો સમય ગુલામીની માનસિકતામાંથી ઉપર ઊઠીને, સંસ્કૃતિ, વેશભૂષા, ખાનપાન, જીવનશૈલી પર ગૌરવ કરવાનો સમય છે.

આ પણ વાંચો – Republic Day 2024 LIVE Updates: પ્રજાસત્તાક દિવસ, રાષ્ટ્રપતિ મૂર્મુએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી અપાઈ

તેમણે કહ્યું હતું કે, આજે દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, એ મંગળકાળ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અમૃતકાળ નામ આપ્યું છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું છે. જૂનાગઢમાં આયોજિત  આ ગણતંત્રના અવસરે આપણે એક સંકલ્પ સાથે આગળ વધવાનું છે કે, આપણે ભારતના ગૌરવ અને ગરિમાને વધારીશું, ભારતને આર્થિક મહાસત્તા બનાવીશું, ભારતને આત્મનિર્ભર ભારત બનાવીશું. સમગ્ર ભારત વિકસિત ભારત બને એ માટે આપણે સૌએ આપણી જવાબદારી સમજવી પડશે. રાષ્ટ્રીય પર્વ એ આપણી ખુશીનું અને પ્રતિભા દર્શાવવાનું પર્વ તો છે જ પરંતુ આપણે જ્યાં આજે ઊભા છીએ એનાથી પણ આગળ વધવાનું પર્વ છે. જો આપણે આજે એવું વિચારશું કે, બસ હવે તો વિકાસ થઈ ગયો તો પ્રગતિ અટકી જશે. જેથી આપણે વધુ મહેનત કરી અને આગળ વધવાનું છે.

Web Title: Gujarat 75th republic day celebrations state level in junagadh km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×