Surat Crime News: સુરત શહેરમાં અસામાજીક તત્વોને જાણે પોવીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતમાં પોલીસ પર જ હુમલાની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ પર 4 ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે.
આ ઇસમો રીક્ષા લઈને જતા હતા અને પોલીસે રીક્ષા ઉભી રાખવાનું કહેતા તેઓ પોલીસથી બચવા રિક્ષા લઈને ભાગ્યા અને પીછો કરતા પોલીસ કર્મચારીઓને પોલીસના જ દંડા વડે માર માર્ હતો. ત્યાં જ એક વ્યક્તિ તો પોલીસને જ ચપ્પુ મારવા પણ દોડ્યો હતો. હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સલાબતપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર હુમલાની ઘટનાને લઈને હવે સુરત પોલીસ દોડતી થઈ છે. પોલીસે આ ઘટનામાં ગણતરીના કલાકમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પુંજાભાઈ હેડ કોન્સ્ટેબલ 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા તે સમયે 12:30 વાગ્યા આસપાસ સલાબતપુરાના પંચશીલ નગરનાના ઉમિયા માતાજી મંદિર પાસેથી કોન્સ્ટેબલ પુંજાભાઈ દ્વારા એક ઓટો રીક્ષાને તપાસ માટે ઉભી રાખવામાં આવી હતી પરંતુ પોલીસને જોતાની સાથે જ આ ઓટો રીક્ષામાં બેસેલા લોકો ઓવર સ્પીડમાં પોતાની રીક્ષા ચલાવીને ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ કોન્સ્ટેબલ પુંજાભાઈ અને એક અન્ય કોન્સ્ટેબલ દ્વારા બાઈક પર આ રીક્ષાનો પીછો કરવામાં આવ્યો હતો.
આ ઈસમો પોલીસથી બચવા માટે અલગ-અલગ જગ્યા ઉપર રિક્ષા લઈને ભાગ્યા હતા અને પોણા એક વાગ્યાના અરસામાં સુરતના અઠવાલાઇન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાનપુરા મોહલ્લામાં આવ્યા હતા અને હબીબ શાહ મોહલ્લામાં આવેલ રૂબી સ્કૂલ પાસે આ રીક્ષા ઉભી રાખી હતી. ત્યારબાદ તુફેલ નામનો આરોપી હેડ કોન્સ્ટેબલ ભુપતને ચપ્પુ લઈને મારવા ગયો હતો. આ ઉપરાંત નીતિન જાદવ અને મોહમ્મદ હનીફ તેમજ સાહિલ નામના ઇસમો પણ કોન્સ્ટેબલ પુંજાભાઈને લાકડી વડે માર મારવા દોડીયા હતા. જેમાં કોન્સ્ટેબલને જમણા ખભે ઇજા થઈ છે. અને ત્યારબાદ આ ઈસમો રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા અને ધમકી આપી હતી કે હવેથી પીછો કરશો તો જાનથી મારી નાખીશું.
જે તે સમયે આ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી પરંતુ કોમ્યુનિકેશન ગેપના કારણે પોલીસ પર હુમલો કરનારા ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા અને આ ઘટનાના 18 થી 20 કલાક બાદ સુરતના આઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને પોલીસે આ બાબતે કાર્યવાહી કરીને મહમદ તુફેલ, હનીફ ઉર્ફે મોનુ શેખ તેમજ અબ્દુલ સાહિલ શેખની ધરપકડ કરી છે. ઉપરાંત નીતિન ઉર્ફે લંગડાને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસને માહિતી મળી હતી કે, આ ઈસમો સુરતથી વડોદરા તરફ ભાગ્યા છે અને માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને રીક્ષા સહિત આ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી હનીફ ઉર્ફે મોનું શેખ સામે અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધાક ધમકી જેવા ગુના દાખલ થયા છે. તો પકડાયેલા આરોપી અબ્દુલ સાહિલ શેખ સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે.