અદિતી રાજા : વડોદરાના કરજણ તાલુકાના હાંડોદ ગામની રહેવાસી 75 વર્ષીય જવેરબેન ખુશાલભાઈ પરમારને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગ તરફથી તેમના ‘મૃત્યુ પ્રમાણપત્ર’ સાથેની પોસ્ટ મળી ત્યારે તેઓ ચોંકી ગયા હતા.’
VMC એ શહેરની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ (SSG) દ્વારા કરવામાં આવેલી ડેટા એન્ટ્રીના આધારે 17 જુલાઈ, 2023 ના રોજ મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કર્યું હતું, જ્યાં ઝવેરબેને કથિત રીતે અંતિમ શ્વાસ લીધા હતા. કોર્પોરેશન તંત્ર અને હોસ્પિટલે કેટલાક કલાકો સુધી તેમના રેકોર્ડની તપાસ કર્યા પછી અને SSG હોસ્પિટલ દ્વારા શંકાસ્પદ “છંતરપિંડી”ની પોલીસ તપાસને ધ્યાનમાં લીધા પછી, એવું જાણવા મળ્યું કે, જે મૃતક મહિલાનું મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, તેમનું હકીકતમાં નામ જવેરબેન પરમાર જ હતું, પરંતુ તે છોટા ઉદેપુરના સંખેડા તાલુકાનું હાંડોદ ગામના હતા.
મહત્વની વાત એ છે કે, બંને મહિલાઓ એક જ સરખા નામ ધરાવતી હતી અને પડોશી જિલ્લાઓમાં સમાન નામના ગામડાઓમાં રહેતી હતી, એટલું જ નહીં, પરંતુ તેમના પતિઓના નામ પણ સરખા જ હતા – બંનેનું નામ ખુશાલભાઈ પરમાર હતું. SSG હોસ્પિટલના રેકોર્ડ મુજબ, જવેરબેન હાંડોદ, સંખેડાનાનું 17 જુલાઈના રોજ “ટાઈપ I શ્વસન નિષ્ફળતા”ના કારણે મૃત્યુ થયું હતું.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, SSG મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું હતું કે, મૃતક હોસ્પિટલ સાથે જોડાયેલ એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો સંબંધી હતો અને આધાર કાર્ડ સહિત તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ, તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
“જેમ કે એવું જાણવા મળ્યું કે, VMC દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર જીવતી વ્યક્તિને જાહેર કરવામાં આવ્યું છે, અમે તપાસ શરૂ કરી અને અમારા કેસ પેપર્સ તપાસ્યા. અમે પોલીસને બોલાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ અમે SSGમાં દાખલ મહિલાના સંબંધીને ફોન કર્યો અને ખબર પડી કે, તેણીનું 17 જુલાઈના રોજ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઝવેરબેન નામના વ્યક્તિ અમારા એમ્બ્યુલન્સ ડ્રાઇવરના સાસુ હતા, જે સંખેડા તાલુકાના હાંડોદના પરમાર ફળિયામાં રહેતા ખુશાલભાઈ પરમારના પત્ની છે”.
જ્યારે સંખેડા તાલુકો એક સમયે વડોદરા જિલ્લાનો ભાગ હતો, તે હવે 2013માં બનેલા છોટા ઉદેપુર જિલ્લા હેઠળ આવે છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતકના આધાર કાર્ડમાં જિલ્લાનું નામ વડોદરા તરીકે દર્શાવવામાં આવ્યું છે, કારણ કે “તે 2013 પહેલા જાહેર કરવામાં આવ્યું હોઈ શકે છે”.
જ્યારે હોસ્પિટલના મૃત્યુના રેકોર્ડના દસ્તાવેજોમાં હસ્તલિખિત એન્ટ્રીમાં મૃતક મહિલાના આધાર કાર્ડ મુજબની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે હોસ્પિટલના મૃત્યુના રેકોર્ડની અન્ય એક પ્રિન્ટેડ નકલમાં છોટા ઉદેપુર જિલ્લાનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – Gujarat Cotton Plantation : ગુજરાતમાં કપાસનું વાવેતર 26 લાખ હેક્ટરને વટાવી ગયું, 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો
જોકે, VMCએ જણાવ્યું હતું કે, મહિલાનું સરનામું નોંધવામાં નાગરિક સંસ્થાની કોઈ ભૂમિકા નથી, કારણ કે SSG હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન ડેટા એન્ટ્રી મુજબ ડિસ્પેચ પરના લેબલો છાપવામાં આવ્યા હતા. જ્યારે VMC મેડિકલ ઓફિસર ડૉ. દેવેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, “VMC વિભાગ જન્મ અને મૃત્યુની નોંધણી માટે દર્દીની વિગતો તપાસતો નથી. અમારી પાસે એક ઓનલાઈન સિસ્ટમ છે, જ્યાં SSG સહિત શહેરની હોસ્પિટલો જન્મ અને મૃત્યુ માટે નોંધણી કરાવી શકે છે. ડેટા દાખલ કરવાનો હોય છે, અને એડ્રેસ લેબલ તે મુજબ પ્રિન્ટ કરવામાં આવે છે, અને પ્રમાણપત્રો તે મુજબ મોકલવામાં આવે છે .”
તેમણે ઉમેર્યું કે, “એસએસજી હોસ્પિટલની ડેટા એન્ટ્રીમાં માનવીય ભૂલ નોંધવામાં આવી હોઈ શકે છે, જો મહિલાનો પરિવાર અથવા હોસ્પિટલ અમારો સંપર્ક કરે તો તેને સુધારી શકાય છે.”