ગુજરાતમાં લાંચ માંગવાની ઘટનાઓ બનવી નવાઈની વાત નથી. પોલીસ કર્મચારી કે પછી અન્ય સરકારી બાબુઓ દ્વારા લાંચ લેવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે કેટલીક વાર એસીબીના છટકામાં આવા લાંચિયા બાબુઓ ઝડપાતા હોય છે. પરંતુ હવે હદ ત્યારે થઈ છે જ્યારે દાહોદના ધારાસભ્યના પિતા અને આશ્રમ શાળાના ટ્રસ્ટી દ્વારા શિક્ષક પાસેથી નિમણૂક માટે 17 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક ઉપર ગંભીર આક્ષેપો કરીને આ અંગે તપાસની માંગણી કરી છે.
ધારાસભ્યના પિતા અને આશ્રમ શાળાના ટ્રસ્ટીએ માંગી 17 લાખની લાંચ
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના આક્ષેપ પ્રમાણે દાહોદના ચોસાલા ગામમાં આવેલી કેદારનાથ આશ્રમ શાળાના ટ્રસ્ટી (પ્રુખ) બચુભાઈ એન. કિશોરી જે દાહોદાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે તેમણે શાળામાં નિમણૂક લેવા પહોંચેલા શિક્ષકો પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 12 લાખ રૂપિયામાં ડિલ નક્કી કરવામાં આવી હતી. જોકે, આ શિક્ષકો દ્વારા જ તેમની પોલ ખોલી દીધી હતી.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શું કર્યા આક્ષેપો?
ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેવાડાના આદિજાતિનાં બાળકને પણ શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળા ચલાવવામાં આવે છે. આદિવાસી સમાજના અને વિસ્તારના બાળકોને આગળ લાવવા માટે અને શિક્ષણ આપવા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં આશ્રમ શાળા સ્થાપવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી આ તમામ શાળાઓ થતી વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક “ભરતી પ્રક્રિયા” ઉપર અમારી ચાંપતી નજર હતી. કેમ કે, પ્રમાણિક, લાયક અને હકદાર ઉમેદવારો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ભરતીઓમાં મોટા પ્રમાણમાં ગોબાચારી, ધાંધલી, ભ્રષ્ટાચાર,ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી.
આ પણ વાંચોઃ- વલસાડઃ શિવાલયમાં શિવલિંગ પર જળાભિષેક કરતા આધેડ ઢળી પડ્યા, હાર્ટ એટેકથી મોત, જુઓ CCTV
શું છે સમગ્ર મામલો?
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આવી જ ફરિયાદ દાહોદના ચોસાલાની કેદારનાથ આશ્રમ શાળા માટે મળી હતી. જેમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક માટે જગ્યા બહાર પાડવામાં આવી હતી અને ધારાધોરણ પ્રમાણે ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા. ત્યારબાદ નિમણૂક આપવા માટે ઉમેદવાર પાસેથી રૂપિયા 17 લાખ જેટલા નાણાંની માંગણી કરવામાં આવી હોવાનો યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઉમેદવાર દ્વારા ફરિયાદ મળતાં સત્યતા અને તથ્યતા ચકાસવામાં આવી હતી.