Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાયું છે. IMD મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મધરાત્રિ સુધી લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ રહેશે. ચક્રવાત ટકરાવવાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક ક્યાંક વરસાદ પડવાની પણ શરુઆત થઇ ગઈ છે. આજની રાત જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દયાપાર સહિતના ગામો માટે ભારે બની રહેશે. આ ગામોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. જે આખી રાત વરસી શકે છે. આ ગામો લેન્ડફોલની નજીક હોવાથી ત્યાં ભારે નુકસાન થઇ શકે છે.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડા દરમિયાન વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે કેવી છે તૈયારી, જાણો
આ પટ્ટીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. દ્રારકાથી લઇને માંડવી, મુદ્રા, ઓખામાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. દરિયાકિનારાના જિલ્લા દ્વારકા, પોરબંદર ,જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલીમાં પણ ભારે વરસાદ પડશે.
લેન્ડફોલ પછી ચક્રવાત ખૂબ જ ઝડપથી વિખેરાઇ જવાની ધારણા છે. જેમ કે મોટાભાગના અન્ય ચક્રવાતોમાં પણ થાય છે. શુક્રવાર સુધીમાં વાવાઝોડું લગભગ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હશે. પરંતુ આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણું નુકસાન થવાની સંભાવના છે. જેના ઘણા ભાગોમાં પહેલાથી જ વાવાઝોડાનો પવન અને વરસાદ શરૂ થઈ ગયો છે. આઇએમડીએ ચેતવણી આપી છે કે તોફાની લહેર કેટલાક સ્થળોએ 3 થી 6 મીટર જેટલી ઊંચી જઈ શકે છે.
દરિયાકિનારે કાચા મકાનો સંપૂર્ણપણે નાશ પામે તેવી શક્યતા છે. જ્યારે કોંક્રિટના બાંધકામોને પણ નુકસાન થવાની ધારણા છે. પાવર અને કમ્યુનિકેશન લાઇનો પણ તૂટી જવાની સંભાવના છે.