Cyclone Biparjoy Updates : બિપરજોય વાવાઝોડું ગુરુવારે ગુજરાતના દરિયા કાંઠે લેન્ડફોલ કરી ચુક્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 16 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. જેના કારણે અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ એક નિવેદનમાં કહ્યું કે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસરથી પ્રભાવિત જિલ્લાઓમાં આપત્તિ સામે તૈયાર રહેવા સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે બિપરજોય વાવાઝોડાના કારણે આવતીકાલે 16 જૂનના રોજ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવે છે. શાળાના સ્ટાફે શાળામાં હાજર રહી જરૂર પડે તો શેલ્ટર હોમ તરીકે કામગીરીમાં સહકાર આપતા તથા અસરગ્રસ્ત વિસ્તારમાં વહીવટતંત્ર સૂચવે તે રીતે સંપૂર્ણ મદદગાર રહેવા જણાવવામાં આવે છે.
બોટાદ જિલ્લામાં પણ 16 જૂને તમામ શૈક્ષણિક કાર્ય બંધ
બોટાદ જિલ્લામાં પણ તમામ શૈક્ષણિક કાર્ય તારીખ 16 જૂનના રોજ બંધ રહેશે. જિલ્લાની તમામ સરકારી શાળા, માધ્યમિક શાળા, ગ્રાન્ટેડ શાળા સહિત નોન ગ્રાન્ટેડ શાળા બંધ રાખવા બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા નિર્ણય લેવાયો છે. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ શાળામાં હાજર રહેવાનો હુકમ કરાયો છે.
16 જૂને સોમનાથ-દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મંદિરો બંધ
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેથી સોમનાથ, દ્વારકા, ચોટીલા સહિતના તમામ મંદિરો આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડું : આજની રાત જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દયાપાર સહિતના ગામો માટે ભારે
બિપરજોય વાવાઝોડાથી ભારે તારાજી
બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.