Cyclone Biparjoy Latest News: બિપરજોય વાવાઝોડા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાતોફાનમાં પરિવર્તિત થવા જઇ રહેલું બિપરજોય ચક્રવાત કેટલેક અંશે નબળું પડ્યું હોવાનું અને રૂટ બદલાયો હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગુરૂવારે ટકરાયા બાદ એ પાકિસ્તાન તરફ આગળ વધે એવી સંભાવના છે. અહીં રાહતના સમાચાર એ છે કે ગુજરાતના કચ્છ માથેથી પસાર થનાર બિપરજોય ચક્રવાત હવે કચ્છ પાકિસ્તાન સરહદેથી આગળ વધે એવી શક્યતા દેખાઇ રહી છે.
હવામાન વિભાગ અનુસાર બિપરજોય ચક્રવાત અગાઉ જે ગ્વાલિયર ઝાંસીથી પણ આગળ પહોંચનાર હતું. એ હવે નબળું પડતું દેખાઈ રહ્યું છે અને એની તીવ્રતામાં પણ ઘટાડો દેખાઇ રહ્યો છે. 16 જૂન 2023 પછી બિપરજોય વાવાઝોડું સાવ નબળું પડવાની સંભાવના છે. હવામાન વેબસાઇટ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન બિપરજોય વાવાઝોડું ક્યાંથી પસાર થવાનું છે એ જાણીએ.
14 જૂન 2023
બિપરજોય વાવાઝોડું બુધવાર અને 14 જૂન સવારે 8-30 કલાકે જખૌથી 180 કિમી અને દ્વારકાથી 190 કિમી અંતરે જોવા મળ્યું છે. બિપરજોય ચક્રવાત અંદાજિત 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારે બપોરે 3 વાગ્યા પછી બિપરજોય ચક્રવાતના ઘેરાવની કિનારી દેવભૂમિ દ્વારકા અને કચ્છના ઝખૌ, નારાયણ સરોરવ નજીકના વિસ્તારને સ્પર્શ કરશે જેને લીધે ભારે પવન અને તેજ વરસાદની અસર જોવા મળશે. બિપરજોય ચક્રવાત ધીરે ધીરે આગળ વધી રહ્યું છે જોકે મોડી સાંજે તે થોડું પાકિસ્તાન તરફ ફંટાતું દેખાય છે પરંતુ રાતે પાછું ગુજરાતને ઘમરોળતું દેખાય છે.
15 જૂન 2023
બિપરજોય વાવાઝોડું ગુરૂવારે વહેલી સવારથી કચ્છ તરફ આગળ આવતું દેખાય છે. સવારે 7 વાગે દેવભૂમિ દ્વારકા, કચ્છના જખો, નારાયણ સરોવર, લખપત સહિતના વિસ્તાર નજીક આવતાં ભારે ચક્રવાત અને વરસાદ આવી શકે છે. સવારે 11 કલાકે ચક્રવાત થોડું વીક પડતું અને થોડું પાકિસ્તાન તરફ વળતું દેખાય છે. વાવાઝોડાની આંખ કચ્છથી નજીક આવી રહી છે. બપોરે 1 વાગે વાવાઝોડાનો મધ્ય ભાગનો એક છેડો કચ્છ સરહદને સ્પર્શી શકે છે જે ભારે તોફાન લાવી શકે છે. સાંજે ચાર વાગે કચ્છ અને પાકિસ્તાન વચ્ચેની ખાડી તરફ આગળ વધે છે જે રાતે 10 વાગ્યા પછી ગુજરાતની બહાર નીકળી પાકિસ્તાનમાં પ્રવેશી રહ્યું છે
16 જૂન 2023
બિપરજોય વાવાઝોડું ગુરૂવારે રાતે પાકિસ્તાનમાં પ્રવેશ્યું હતું જે આગળ વધતાં શુક્રવાર સવાર સુધીમાં નબળું પડી રહ્યું છે. પરંતુ પાચું સવારે 5 વાગ્યાના અરસામાં પાકિસ્તાન કચ્છ સરહદે થોડું પરત આવવાની સંભાવના છે અને એ વિસ્તારમાં ભારે પવન તેમજ વરસાદ લાવી શકે છે. જોકે પાછુ પાકિસ્તાન તરફ જતું દેખાય છે. નબળું પડી રહેલું બિપરજોય વાવાઝોડું સવારે 7 કલાકે પાકિસ્તાનથી રાજસ્થાન સરહદે આગળ વધી શકે છે.