wade variyav bridge : ગુજરાતની તાપી નદી પર વરિયાવ-વેડ બ્રિજમાં તિરાડો પડી ગઇ છે. 40 દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે આને લઇને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને ઘેરી છે અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આ બ્રિજ બનાવવા પાછળ 118 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પ્રથમ વરસાદમાં જ બ્રિજમાં તિરાડ પડી ગઇ છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા દોઢ મહિનામાં રાજ્યમાં પાંચથી છ પુલો ક્ષતિગ્રસ્ત થવાના મામલા સામે આવી ચુક્યા છે. આપ પાર્ટીએ તપાસની માંગણી કરી છે. ગત વર્ષે થયેલા મોરબી બ્રિજ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં અને આવા કૃત્યોમાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. હું પ્રધાનમંત્રીને વિનંતી કરું છું કે ગુજરાતને ચારેય તરફથી ભ્રષ્ટાચાર ઘેરી રહ્યું છે અને તેની તપાસ માટે સીબીઆઈ કે ઇડીને કહેવામાં આવે. મોરબી પુલ ત્રાસદીમાં 135થી વધારે લોકો માર્યા ગયા હતા પણ સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો ન હતો.
આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને હાઇકોર્ટના રિટાયર્ડ જજ પાસે આની તપાસ કરાવવાની માંગણી કરી છે. ધર્મેશ ભંડેરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા છે. તેમણે કહ્યું કે જે ઠેકેદાર અને એજન્સીઓએ પુલનું નિર્માણ કર્યું છે તેને બ્લેક લિસ્ટ કરવી જોઈએ અને રિટાયર્ડ જજના નેતૃત્વમાં એક વિશેષ તપાસ દળથી તેની તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચો – દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે, આગામી ચાર દિવસ આ જિલ્લાઓને મેઘરાજા ગમરોળશે
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ભંડેરીએ કહ્યું કે બ્રિજને 118.42 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે અને પ્રથમ વરસાદમાં પુલમાં તિરાડો પડી ગઇ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે શહેરમાં ભાજપના નેતાઓના નજીકના ઠેકેદારો અને બિલ્ડરોને આવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.
આ બ્રિજ સુરતના વરિયાવ અને વેડ ગામને જોડે છે. બ્રિજનું ઉદ્ઘાટન 17 મે ના રોજ મુખ્યમંત્રીએ કર્યું હતું. આ શહેરનો 120મો બ્રિજ છે. જેનો ઉપયોગ ઇચ્છાપુર, હજીરા, છાપરાભાટા અને વરિયાવના આઠ લાખથી વધારે નાગરિકો કરે છે. દોઢ કિમી લાંબો આ પુલ ચાર લેનનો છે. બુધવારે કેટલાક લોકોએ પુલ પર તિરાડો જોઇ હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. પછી ધર્મેશ ભંડેરી પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા અને અન્ય લોકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. કટારગામ ક્ષેત્રના અધિકારીઓ સાથે એસએમસીના બ્રિજ સેલના કર્મચારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસમસીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે વરિયાવના સંપર્ક ક્ષેત્રમાં પાણી ભરાઇ જવાથી તિરાડ પડી હોઇ શકે છે.