ગુજરાતના કચ્છ જિલ્લાની કોર્ટે મંગળવારે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના પૂર્વ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા, જે એક કથિત બૂટલેગર સાથે કારમાં બેઠી હતી, અને દારૂ ભરેલી ગાડી પકડાય નહીં તે માટે રોડ પર તપાસ કરી રહેલા છ પોલીસકર્મીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ભચાઉની કોર્ટે તેને અટકાયતમાં લેવાનો આદેશ આપ્યો હોવા છતાં, પોલીસ દાવો કરે છે કે તે “હજુ ગુમ” છે.
સોમવારે એડિશનલ સેશન્સ જજ એન્ડલપ તિવારીની કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં ચૌધરીને જામીન આપવાના નીચેલી કોર્ટના 3 જુલાઈના આદેશને સેશન્સ કોર્ટમાં પડકારતી ફરિયાદી પક્ષની અરજી પર સુનાવણી કરી હતી. સેશન્સ કોર્ટે ફરિયાદી પક્ષની અરજી સ્વીકારીને મંગળવારે પોતાનો આદેશ આપ્યો હતો, અને નીતા ચૌધરીની જામીન રદ કરી અટકાયતનો આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, 1 જુલાઈના રોજ કથિત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે દારૂનું કન્સાઈન્મેન્ટ લઈ જતા છ પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી ભાગવાનો પ્રયાસ કરવા બદલ, બૂટલેગર યુવરાજ સિંહ અને સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, જામીન રદ થયા પછી તરત જ, પોલીસ ટીમો તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે. તેના ઘરે પણ પોલીસ પહોંચી હતી, પરંતુ ઘર બંધ હતુ એટલી ટીમ પાછી આવી હી.
તમને જણાવી દઈએ કે, ધરપકડ બાદ 3 જુલાઈના રોજના નીચલી કોર્ટના આદેશમાં, CrPCની કલમ 437 (1) (ii) હેઠળ ચૌધરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જે જો આરોપી સગીર, મહિલા, બીમાર અથવા અશક્ત હોય તો જામીનની જોગવાઈ કરે છે. ત્યારબાદ કોર્ટે ટીપ્પણી કરી હતી કે, ચૌધરીને માત્ર કારમાં બેસવા માટે જામીન નકારી શકાય નહીં, જે ઘટના દરમિયાન કથિત રીતે જાડેજા દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી.
વકીલ કલ્પેશ ગોસ્વામીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ચૌધરીને તે મહિલા હોવાના આધારે જામીન આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “અમે સેશન્સ કોર્ટને કહ્યું હતું કે, ચૌધરી એક હેડ કોન્સ્ટેબલ પણ છે, જેની ફરજ કાયદાની જાળવણી કરવાની છે, પરંતુ તેના બદલે તે બૂટલેગર સાથે દારુ ભરેલી ગાડીમાં મળી આવી હતી, સાથે બૂટલેગરે છ પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો, આમ, ટ્રાયલ કોર્ટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવામાં ભૂલ કરી હતી.”
રવિવારે સાંજે ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ભચાઉ શહેર નજીક જુની મોતી ચિરઈ ગામની રહેવાસી – ચૌધરી અને જાડેજાએ કથિત રીતે છ પોલીસકર્મીઓને તેમની કાર થી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો, મહત્વની વાત એ પણ છે કે, આ કારમાં રજિસ્ટ્રેશન પ્લેટ પણ નહોતી.
બંનેની આખરે ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તેમની કારમાંથી દારૂની 16 બોટલ અને બિયરના બે કેન જપ્ત કર્યા હતા – જેની કિંમત કુલ રૂ. 1,880 છે. બંને સામે આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 427 અને 114 અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચૌધરીને ગયા અઠવાડિયે સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.