Chandipura Virus Outbreak In Gujarat: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કહેર મચાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી એક જ દિવસમાં 6 બાળકોના મોતથી હાહાકાર મચ્યો છે. આ સાથે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 14 થયો છે. સૌથી ખાસ વાત એ છે કે, 14 વર્ષથી ઓછી વયના બાળકોને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે. એક પછી એક બાળકના મોતથી ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ચાંદીપુરા વાયરસ કહેર વરસાવી રહ્યો છે.
ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 1 દિવસમાં 6 મોત, કુલ મૃત્યુઆંક 14 (Chandipura Virus Deaths In Gujarat)
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કોરોના કરતા પણ ખતરનાક છે. ગુજરાતમાં 17 જુલાઇના રોજ સાંજે 9 વાગ્યા સુધીમાં ચાંદીપુરા વાયરસથી 6 બાળકોના મોત થયા છે. જેમા ગોધરામાં 1, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 1 અને અન્યત્ર 2 બાળકના મોત થયા છે. આમ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 14 બાળકોનો ભોગ લીધો છે. ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 24 કેસ નોંધાયા છે, જેમાંથી 14 ચેપગ્રસ્તના મોત થયા છે.
સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ અને મોત (Chandipura Virus Cases In Gujarat)
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ અને મોત સાબરકાંઠામાં નોંધાયા છે. પ્રાપ્ત આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 26 કેસ નોંધાયા છે. જેમા સાબરકાંઠામાં સૌથી વધુ 4 કેસ નોંધાયા છે, જેમા 2 બાળકના મોત થયા છે. અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસથી ચેપગ્રસ્ત 4 કેસ માંથી 3 દર્દીના મોત થયા છે. ગુજરાતના 12 જિલ્લા ચાંદીપુરા વાયરસના સકંજામાં છે જેમા – સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્નનગર, અમદાવાદ એએમસી, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, મોરબીનો સમાવેશ થાય છે. ગુજરાતના ચાંદીપુરા વાયરસના કહેરના પગલે રાજ્યના આરોગ્યમંત્રી ગુરુવારે કોન્ફરન્સ બોલાવી શકે છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ અને મોત
| જિલ્લો | કેસ | મોત |
|---|---|---|
| સાબરકાંઠા | 4 | 2 |
| અરવલ્લી | 4 | 3 |
| અમદાવાદ | 2 | 1 |
| મહીસાગર | 1 | 1 |
| ખેડા | 1 | – |
| મહેસાણા | 2 | 1 |
| રાજકોટ | 2 | 2 |
| સુરેન્દ્રનગર | 1 | 1 |
| ગાંધીનગર | 1 | – |
| પંચમહાલ | 2 | – |
| જામનગર | 2 | – |
| મોરબી | 3 | – |
અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ
અમદાવાદમાં જીવલેણ ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના આંબાવાડી સ્થિતિ ચુનાના ભઠ્ઠા અને ચાંદલોડિયા વિસ્તારમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. બંને દર્દીની અમદાવાની 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમામ શંકાસ્પદ દર્દીના સેમ્પલ પુણા મોકલવામાં આવ્યા છે.

ચાંદીપુરા વાયરસ નામ કેવી રીતે પડ્યું, પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો? (Chandipura Virus History)
ચાંદીપુરા વાયરસના કેસ ભલે અત્યાર સામે આવ્યા હોય પરંતુ આ જીવલેણ વાયરસના કેસ વર્ષો પહેલા નોંધાઇ ચૂક્યા છે. ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ 1966માં સામે આવ્યો હતો. હકીકતમાં મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુરા નામની એક જગ્યા છે જ્યાં આ વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા પડ્યું. આ વાયરસના કેસ 2004 થી 2006 અને ફરીથી 2019 માં જોવા મળ્યા હતા. આ વાયરસનો કહેર માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળ્યું છે – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત.
ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે?
ચાંદીપુરા વાયરસ દા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. આ વાયરસની મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, ચાંદીપુરા વાયરસની સારવાર માટે અત્યાર સુધી કોઇ દવા શોધાઇ નથી.