Bus Falls Into Gorge In Uttarakhand : ઉત્તરાખંડમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બસ ખીણમાં ખાબકતા 7 લોકોના મોત થયા છે અને 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસમાં લગભગ 35 મુસાફરો હોવાની વાત સામે આવી છે. ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે આ અકસ્માત થયો છે. ઉત્તરાખંડ માં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે.
આ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તરાખંડ રાજ્યની એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.
ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકશે.
ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.